9.7 - એવરેસ્ટ : ઊંચાઈએ પહોંચ્યાનું સાંઈઠમું વર્ષ... / સંવાદ / જ્વલંત છાયા


    ધ ફર્સ્ટ ઇસ ફર્સ્ટ આફ્ટર ઓલ! ગુજરાતી ભાષામાં કહેવત છે પહેલો ઘા રાણાનો. કોઈ એક સિદ્ધ, કોઈ પ્રાપ્તિ અનેક લોકોને થાય, થતી રહે પરંતુ જેણે એ ચીજ સૌ પ્રથમ મેળવી છે તે ક્યારેય ભૂલાતું નથી. સેંકડોની સંખ્યામાં મળી શકે તેવા આ બાબતના ઉદાહરણોમાં પડવું નથી. ક્રિકેટમાં સેન્ચ્યુરી કે ફિલ્માં સિલ્વર જ્યુબિલી કે કોઈ મોટો એવોર્ડ, સાહિત્યમાં વિવિધ સન્માન પરંપરાગત રીતે તેના નિયત સમયે-સરકારી ઇનામો નિતમિત સમય કરતાં ચારેક વર્ષ બાદ-પણ મળતા રહે છે પરંતુ તે ખિતાબ, તે ઇનામ પ્રથમ મેળવનારનું એચિવમેન્ટ ફર્સ્ટના વિશેષણ સાથેનું હોય છે. એવી જ એક સિદ્ધને ૨૦૧૩માં ૬૦ વર્ષ પૂર્ણ થયાં હતા.

    તે એચિવમેન્ટ એવું હતું કે, જે પછી તો અનેક લોકોએ મેળવ્યું પરંતુ ત્યાં સૌ પ્રથમ પગ મૂકનાર બે વ્યક્તિ હતા અને તેમાંની એક વ્યક્તિ ભારતની હતી! ત્યાં એટલે ? એ સ્થળનું નામ છે માઉન્ટ એવરેસ્ટ. વિશ્વના સૌથી ઊંચા પર્વતીય શિખર, જ્યાં પહોંચવાની કલ્પના માત્ર થરથરાવી દે, જ્યાં ચાલવા તો ઠીક પગ મૂકવાનો વિચાર માત્ર ડગાવી દે તેવા આ ઉન્નત, ઉત્તુંગ શિખર પર સેંકડો આરોહકો પહોંચ્યા છે, પહોંચે છે પરંતુ ૧૯૫૩ના મે માસની ૨૯ તારીખ એ એવો દિવસ હતો જયારે બે માનવીઓના પગલાંની છાપ શ્વેત શિખર પર અંકિત થઇ. એ દિવસ હતો જયારે બે માણસે હજારો ફૂટ ઊંચે જઈ એ પાતળી હવા પોતાના શ્વાસમાં ભરી અને સમસ્ત વિશ્વને જાતે માનવજાતમાં વિશ્વાસ મૂકવામાં વધુ એક તક મળી.

    કોઈ જાણીતા પરિવાર કે રાજકીય પક્ષના નેતાની જન્મજયંતિ હોત, મૃત્યુતિથી હોત, શતાબ્દિ હોત તો કરોડો રૂપિયાનો ખર્ચ સરકાર કરી નાંખત પરંતુ રાજકીય લોકની ઊંચાઈ એટલી ક્યાં છે જે કે તેમને એવરેસ્ટ સર થયાના સાંઈઠ વર્ષ ઉજવવાનું યાદ પણ આવે ? ભારતના રહેવાસી પર્વતારોહકે એવરેસ્ટ પર પગ મૂક્યાને ૬૦ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. એવરેસ્ટ, કૈલાસ, નંદાદેવી અરે હિમાલયના કોઈ શિખર શું નાની અમથી સફેદ સફેદ ટેકરી પણ જોઈએ. કેદારનાથના મંદિરની ગિરિમાળા કે પછી મનાલીથી દેખાતાં ધવલ શિખરો પણ જોઈએ તો ય પુલકિત, રોમાંચિત અને કંઈ કેટ કેટલું થઈ જોઈએ ? હિમાલય તો દરેક ભારતીયના આત્મા સાથેનું અનુસંધાન ધરાવતું તત્વ છે. અરે, યાર જે શિખરો પર ફક્ત નજર પણ પડે, એક વાર જ્યાં આંખ પણ પડે ત્યાં ય જો જિયરા મચલ મચલ જાયે કે પછી મોર બની થનગાટ કરે એવું થતું હોય, કાશ્મિર કે રોહતાંગ જે ગંગાકોટમાં બરફ પર ચાલતાં ય જો થ્રિલનું અનુભવ પેકેજ ટૂરમાં ય થતો હોય તો વિચાર તો કરો કે એ હિમાલયના અને ફક્ત આ જ પર્વતના નહીં, સમસ્ત વિશ્વના સૌથી ઊંચા શિખર પર પગ મૂકવાની, ત્યાં જવાની એ બાબત કેટલી ઉંચી હોઈ શકે ?

    એ દિવસ હતો ૨૯ મે ૧૯૫૩. ન્યુઝીલેન્ડના પર્વતારોહક એડમન્ડ હિલેરી અને ભારતના દાર્જલિંગના નેપાળી શેરપા તેનસિંગ નોરગીએ સ્થાનિક સમય મુજબ સવારે ૧૧.૩૦એ એવરેસ્ટના એ શિખર પર પગ મૂક્યા. ૧૯૫૩માં બ્રિટીશ પર્વતારોહકોની નવમી ટુકડીની પ્રથમ જોડી ટોમ બોર્ડીલ્લોન અને ચાર્લ્સ ઇવાન ૨૬મી મેએ એવરેસ્ટ સુધી પહોંચવાના જ હતા, ટીમના લીડર જ્હોન હન્ટએ શુભ સમાચારની પ્રતીક્ષામાં હતા પરંતુ ઓક્સિજનની સમસ્યાને લીધે તે બન્ને આરોહકો શિખર સુધી પહોંચી ન શક્યા અને પરત ફર્યા. બે દિવસ બાદ ફરી ૨૮મીએ ફરી બે આરોહકો તેનસિંગ અને એડમન્ડની જોડીએ ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ની થિયરીના મંત્રો ભણી ઉપર જવાનું શરૂ કર્યું અને એવરેસ્ટના સાઉથકોલ રૂટ પરથી બન્ને શિખરે પહોંચી ગયા. ૨ જૂને આ સમાચાર ક્વિન એલિઝાબેથને મળ્યા, થોડા જ દિવસમાં વિશ્વભરના માધ્યમોએ આ વિરલ સિદ્ધિની નોંધ લીધી. તેનસિંગને યુકે સરકારે જ્યોર્જ મેડલથી સન્માન આપ્યું. એવી જ રીતે ભાઈ હિલેરીને પણ સ્વાભાવિક રીતે વિશ્વિક બહુમાન મળ્યા! અલબત્ત કોઈ પણ સિદ્ધિની સ્થૂળ સ્વીકૃતિની જરૂર હોય જ પરંતુ એવરેસ્ટ પર પગ મૂક્યા પછી બીજું સન્માન શું જોઈએ ? ત્યાં પણ મૂકવા એ ઘટના જ એવી લાગે કે જાણે ‘ઈશ્વર કોઈ સેરેમની યોજ્યો હોય અને તે માણસને ત્યાં બોલાવીને તેનું સનમના કરતાં હોય!!

    જે ઘટના ગઈકાલે અત્યંત રોમાંચક લાગતી હતી, આશ્ચર્ય અને અચંબાથી ભાર્પૂત આનંદથી છલકાતી લાગતી હતી તે આજે ય મહત્વની તો છે જ. અલબત્ત એવરેસ્ટ યુગોથી હતો, સદી પૂર્વે તેની ઊંચાઈ નક્કી થઇ હતી અને અનેક વિરલાઓએ તેને આંબવાની કાબિલે દાદ જ નહીં પરંતુ વંદનીય કહી શકાય તેવી કોશિશ પણ કરી હતી. હિમાલયનું સ્થાન શાસ્ત્રો અને ધર્મોમાં તો ‘અડગ, અવિરળ’ છે જ, પરંતુ અનેક રેકોર્ડ, અનેક સિદ્ધિઓ, ઘટનાઓ આ સફેદ શિખરો પર સુવર્ણ અક્ષરે કોતરાયેલા છે. એક તો એવરેસ્ટ પોતે જ જીવંત વિક્રમ છે, સૌથી ઊંચો પર્વત છે તે કેવી રીતે ખ્યાલ આવ્યો કે દુનિયામાં આ જ પહાડ, આ શિખર જ ઊંચું છે! ૧૮૦૮માં બ્રિટિશરોએ વિશ્વભરના પર્વતોની ઊંચાઈ માપવા-સાચવવા ભારતમાં મોટા પાયે ટ્રીગોનોમેટ્રીક સર્વે-ભૌગોલિક સર્વેક્ષણનું વિરાટ કામ શરૂ કર્યું. પર્વતની ઊંચાઈ અત્યંત ચોકસાઈપૂર્વક માપી શકાય તે માટે જેને ઉપાડવામાં બાર-બાર વ્યક્તિ જોઈએ તેવા ૫૦૦ કિલો વજનનું એક એવાં ઉપકરણ તેમણે રાખ્યાં હતાં. ૧૮૩૦ સુધીમાં આ સંશોધકો નેપાળ સુધી પહોંચ્યા હતા. પહેલાં તો એવું લાગ્યું હતું કે કાંચનજંઘા સૌથી ઉપર છે પરંતુ પછી ટીમના મેમ્બર જ્હોન આર્મસ્ટ્રોંગે તેનાથીય ઊંચું શિખર જોયું, અને નોંધ્યું કે પિક બી સૌથી ઉપર છે. વર્ષોના રઝળપાટ અને સંખ્યાબંધ અવલોકનો બાદ અંતે ૧૮૫૬માં બ્રિટીશ સર્વેઅર જનરલ ઇન્ડિયા એન્ડુ વોઘે જાહેર કર્યું કે ૨૯૦૦૨ ફૂટ એટલે કે ૮૮૪૦ મીટરની ઊંચાઈએ આવેલું આ શિખર સૌથી ઊંચું પર્વતીય શિખર છે!

    ઊંચાઈ તો જાહેર થઈ ગઈ, પછી વારો આવ્યો નામ આપવાનો. આમ તો ડીઓદંધા-હોલી માઉન્ટેઈન અને ચોમોલન્ગમા એ આ પરંપરાગત નામો તો હતા જ પરંતુ એન્ડુખએ દલીલ કરી કે એક નામ અનેકને અન્યાય કરશે. અંતે સર્વેઅર જનરલ ઓફ ઇન્ડિયાના નામ સાથે જોડી, જ્યોર્જ એવરેસ્ટની સ્મૃતિ ચિરંતન અને સદા ઉન્માત રહે તે હેતુથી તેણે પોતાના બોસનું નામ આ શિખરને આપ્યું અને નોંધ્યું કે મારા ચિફ મારા સર જ્યોર્જ એવરેસ્ટ પાસેથી હું ઘણું શીખ્યો છું, દરેક ભૌગોલિક પદાર્થને તેના ખરાં એપિલએશનથી માપવાનું શીખ્યો છું પરંતુ આ એક પર્વત છે, ‘મોસ્ટ પ્રોબેબલી ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ’ – મોટાભાગે તો વિશ્વનો સૌથી ઊંચો!

    ૧૯૫૩માં જ્યાં બે માનવોએ પગ મૂક્યા તેઓ પોતાની સિદ્ધ માટે પ્રસિદ્ધ થયા, પરંતુ તે પહેલાં સંખ્યાબંધ લોકોએ કરોળિયાની જેમ આ પ્રયાસ કરી લીધો હતો. ૧૮૮૫માં ક્લિન્ટન ડેન્ટ નામના એક વ્યક્તિએ લખેલાં પુસ્તક ‘એબોવ ધ સ્નો લાઈન’માં ઉલ્લેખ કર્યો હતો કે આ શિખર આંબવાનો પ્રયાસ કરવો જોઈએ! પર્વતની ઉત્તર દિશામાંથી પણ તેને આંબી શકાય તેમ છે તેવું સંધોધન ૧૯૨૧માં જ્યોર્જ મેલોરીએ કર્યું અને ઊંચે જવાનો સંનિષ્ઠ પ્રયાસ પણ કર્યો. પરંતુ તેમની યાત્રા ૨૨૯૮૯ ફૂટે થંભી ગઈ. ૧૯૨૨માં ફરી બ્રિટીશ દસ્તો-ધ અધર જ્યોર્જ એટલે કે જ્યોર્જ ફિન્ચ નામના આરોહક સાથે આવ્યો. પ્રતિકલાકના ૯૫૦ ફૂટની ઝડપે તેમણે આરોહણ શરૂ કર્યું. એવરેસ્ટ પર ૮૦૦૦ મીટરથી વધારે ઊંચે ચડ્યા હોય તેવી તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તેમણે ૮૩૨૦ મેટરની ઊંચાઈ સર કરી હતી. ત્યાર બાદ ૧૯૨૪ની ૮મી જૂને પણ મેલોરી અને એન્ડુંખ ઇરવિને એવરેસ્ટ આરોહણ કર્યું હતું. મેલોરીનું મૃતશરીર એ બર્ફિલા વિસ્તારના ઉત્તરીય હિસ્સામાંથી મળી આવ્યું અને તેમના મૃત્યુએ એક વિવાદને જન્મ આપ્યો કે શું ? ૧૯૫૩થી ૨૯ વર્ષ પહેલાં, આ બન્ને કે બેમાંથી કોઈ એવરેસ્ટ પર પહોંચી ગયા હતા ? પરંતુ આખરે તો ‘જો જીવતા વહી સિકંદર’ એવું થયું.

    ૧૯૩૩માં યુરોપના ધનાઢ્ય મહિલા લેડી હડસને હ્યુસ્ટન એવરેસ્ટ ફ્લાઈટ માટે નાણા આપવાની તૈયારી દર્શાવી અને આ શિખરની ઉપર જઈ ઊડી શકે અને ત્યાં યુનિયન જેક લહેરાવી શકે તેવું વિમાન બનાવવા કહ્યું. આવી તો સંખ્યાબંધ ઘટનાઓ આ એવરેસ્ટના બરફમાં હજીય થીજેલી છે, સમયના પ્રવાહમાં તે વહી નથી, ઓગળી નથી.

    ૧૯૬૫ની ૨૦મી મે એ નવાંગ ગોમ્બુ નામનો શેરપા એવરેસ્ટ પર પહોંચ્યો તે એવી પ્રથમ વ્યક્તિ હતી જેમણે આ ઊંચાઈ બે વાર પ્રાપ્ત કરી હોય તે પ્રથમ વાર ૧૯૬૩માં પણ એવરેસ્ટ પર આંટો મારી આવ્યો હતો!! જાપાનનો યાશુઓ કોટો એ શેરપા વ્યક્તિ હતી. અંગરિતા નામના શેરપાને તો વળી આ એવું ફાવી ગયું કે તે ૧૯૮૩ની ૭મી મેથી ૧૯૯૬ની ૨૩મી મે દરમિયાન ૧૦વખત એવરેસ્ટ જઈને પરત આવ્યો. દસ વખત એવરેસ્ટ જનાર એ તે વખતે સૌ પ્રથમ હતો. અને પંદર વખત આ શિખરે પહોંચનાર સૌ પ્રથમ વ્યક્તિ હતી અપા શેરપા તે જ માણસ ૨૦ વાર એવરેસ્ટ પર પહોંચનાર પણ પ્રથમ હતો. ઓબ્વિયસલી. ૧૯૯૦ની ૧૦મી મે તેમનું પ્રથમ અને ૨૦૦૫ની ૩૧મી મેં તેમનું અત્યાર સુધીનું છેલ્લું આરોહર. ૧૬મી મે ૧૯૭૫ના રોજ ફરી એક ઘટના બની જેની નોંધ દુનિયાએ લીધી. જુનકો તાબેઇએ એ દિવસે એવરેસ્ટ પર પગ મૂક્યો અને નોંધ લેવા જેવી વાત તે એટલા માટે હતી કે આ જુનકો ભાઈ નહીં, બહેન થી! યસ, એવરેસ્ટ પર પહોંચનારી વિશ્વની સૌ પ્રથમ મહિલા પર્વતારોહક. ગ્રુપમાં તો સૌ જાય એવો વિચાર આવ્યો હશે અને ઓસ્ટ્રેલિયાના કલાઇમ્બર રિનહોલ્ડ મેનસરે ૧૯૭૮માં ઓક્સિજનના વધારાના જથ્થા વગર એવરેસ્ટ પર જવાની કોશિશ કરી. એ જ વ્યક્તિ ૧૯૮૦ની ૨૦મી મેએ જ્યારે એવરેસ્ટ શિખરે પહોંચ્યો ત્યારે સાવ એકલા ચડનારો અને પહોંચનારો વિશ્વનો તે સૌ પ્રથમ વ્યક્તિ બન્યો હોત!!

    એક સફર હતી, ‘સાગરથી શિખર સુધી’ ફ્રોમ સી ટુ સમિટ. પૌલિન સેન્ડરસન એ એવા મહાનુભાવ હતા કે તેમણે એવરેસ્ટ જવાનું તો નક્કી કર્યું પરંતુ જરા હટ કે, અને તેઓ સાગરની સપાટીએથી બંગાળની ખાડી પાસેથી ચાલતાં ચાલતાં એવરેસ્ટ સુધી પહોંચ્યા, જરા આંકડા જોઈએ તો પૃથ્વી પરની સૌથી ઊંચી જગ્યાએ ૯૨૭૧ મીટર, ૪૧૭ ફૂટે તેઓ પહોંચ્યા, ડેડ સી એટલે કે દરિયામાં માઇનસ ૧,૩૮૮ ફૂટથી સાવ તળિયેથી તદ્દન ટોચ પર – તમસો મા જ્યોર્તિગમય- અને લગભગ ૮૦૦૦ કિલોમીટરની આ સફર તેમણે સાઈકલ પર કરી હતી. જોર્ડનના સાગરકાંઠાથી અહીં સુધી તેઓ સાઇકલ પર પહોંચ્યા હતા અને ત્યાં સેન્ડરસનના પતિ પણ તેમની સાથે હતા, યસ મેડમ. આ પણ એક નારી હતી જેણે આવું સાહસ કર્યું. ફિલ અને પૌલિનને સન્માન મળ્યું, એવરેસ્ટ પર જનારા સૌ પ્રથમ દંપતિ તરીકેનું. અને જોર્ડન રિમરો તિબટીયન રસ્તે એવરેસ્ટ પર ગયો ત્યારે તેનું ઉંમર ૧૩ વર્ષ હતી. તે સૌથી નાની વયની એવરેસ્ટ જનાર વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત છે. તો મીન બહાદુર સૌ પ્રથમ એવા પર્વતારોહક હતા જેઓ ૭૭ વર્ષની જૈફ વયે એવરેસ્ટ પર પહોંચ્યા હતા. તેઓ ૨૫૦મી મે ૨૦૦૮ના રોજ આ શિખરે પહોંચ્યા હતા. અલબત્ત આ બધાં નામોની વચ્ચે જરા પણ ભૂલાયું નથી એવું નામ આપણા અતુલ કરવલ. ઊંચા આઇપીએસ તો ખરા જ સાથે તેમણે એવરેસ્ટ પર પગ મૂક્યા અને પછી રસાળ પુસ્તક પણ આપ્યું, થિંક એવરેસ્ટ. હિમાલયનું એક એક શિખર તો શું, એક એક કણ કહાની છે. પરમતત્વ જેવા પાર્ટ્સમાં અનુભવી શકાય છે! હજી આવી ઘણી વાતો અધૂરી છે... અને આ તો એવરેસ્ટ છે, એમ સીધા થોડાં જ ત્યાં પહોંચાય ? હજી કેટલાંય શિખર બાકી છે.


0 comments


Leave comment