30 - ચમન માટે / ગની દહીંવાલા


ખીલી કળીઓ, હસો પુષ્પો, વસંત આવી ચમન માટે,
ઊડો હે બુલબુલો, પાંખો મળી છે ઉડ્ડયન માટે.

તમારા રૂપની તારીફ હું એથી નથી કરતો,
કવિ પોતે કશું કહેતો નથી એના કવન માટે.

સુણીને સાદ તારો હું અહીં આવી ચઢ્યો બુલબુલ !
મને લાગ્યું, કહે છે કૈંક તું મારા જીવન માટે.

મળ્યો સહકાર કેવો વિશ્વનો એ કલ્પના કરજો,
ઘણી વેળા વિષય પર હું બન્યો મારા કવન માટે.

કંઈ પીંખાઇ કરમાયું, કંઈ ચગદાઈ રોળાયું,
ચમન છોડી જવું સાચે જ દુઃખકર છે સુમન માટે.

થયો આભાસ દુનિયાને પડ્યું આકાશ ધરતી પર,
ચરણમાં આપના, મસ્તક ઝુકાવ્યું મેં નમન માટે.

‘ગની’ પર પ્રેમનું કારણ ગગન ધરતીને પૂછે છે,
ધરા કે’ છે : થશે એ એક દી મુજમાં દફન માટે !


0 comments


Leave comment