35 - પડઘા / ગની દહીંવાલા
પૂરવ-પશ્ચિમ આભમાં લાગે દવ રે... સાંજ સવારે !
ભડકે બળતો પૃથ્વી-પાલવ રે... સાંજ સવારે !
જઈને કાલ મેં ઉપવનમાં પુષ્પને પૂછ્યું :
હે કોમલાંગ ! જીવનમાં મળ્યો અનુભવ શું ?
કપાળ પરથી એ પ્રસ્વેદ લૂછતાં બોલ્યું :
ક્ષણિક જીવનમાં ગમે છે મને હસી લેવું,
કાને પડતો કાળનો પગરવ રે... સાંજ સવારે !
સમીર ત્યાં જ હતો એ સુણી ગયો વાતો,
કહે કરું છું હું ચારે દિશામહીં વાતો,
અસહ્ય થાય છે જ્યારે હૃદયને આઘાતો
તો દોડી આવું છું ઉદ્યાનમાંહે વળ ખાતો.
મારે માટે જંપ અસંભવ રે.... સાંજ સવારે !
વસંત એટલી અળખામણી મને લાગી,
હજી એ રક્તની લાલી રહી હતી માગી,
ન જાણે ભૂખ ક્યા જન્મની હશે જાગી !
છતાં એ કાળમાં જીવી રહ્યો છું સદભાગી !
મોંઘા મુજને થાય અનુભવ રે... સાંજ સવારે !
આ પાનખર ને વસંતો હૃદયના પડઘા છે,
વિષય ગગન છે, સિતારા વિષયના પડઘા છે,
કવનમાં દર્દ અને દિલ, ઉભયના પડઘા છે,
નથી વિચાર આ મારા, સમયના પડઘા છે.
દિલમાં થાયે દર્દનો ઉદભવ રે... સાંજ સવારે !
0 comments
Leave comment