26 - આવાહન / ગની દહીંવાલા


ઝંઝાનિલ આવ ને !
     આવી ઉગારી લે નાવને,
         ઝંઝાનિલ આવ ને !

ધીરજને ખાઈ ગઈ નૌકાની સ્થિરતા,
કેદે પૂરાઈ ગઈ નાવિકની વીરતા,
     આકાશથી ઝંપલાવને,
        ઝંઝાનિલ આવ ને !

ઊડતા અશ્વોને ખૂબ વેગે દોડાવજે,
શૂરા સિપાહી જેમ સામેથી આવજે,
    નોબત ગગનની બજાવ ને,
        ઝંઝાનિલ આવ ને !

તાણી લે વાદળોને, તેડી લે વીજને,
શ્યામલ ચંદરવે દે ઢાંકી ક્ષિતિજને,
    મોજાંઓ આભે ઊઠાવ ને,
        ઝંઝાનિલ આવ ને !

ઉપવન આ નો’ય કે તું મંદમંદ વાય છે,
ભરદરિયે આજ તારું પાણી મપાય છે,
    સંતાડી રાખ મા સ્વભાવને,
        ઝંઝાનિલ આવ ને !


0 comments


Leave comment