4 - શિકાર / ઝવેરચંદ મેઘાણી


    વીજળીની કોશ બનાવીને કાળ એક દિવસ ત્યાં હળ હાંકતો હશે. બે-ચાર ઊથલ મારીને એણે ખેડવું છોડી દીધું હશે. એટલે જ સોરઠની એ ચોયફરતી સપાટ જમીનમાં ફક્ત આઠ-દસ ગાઉની અંદર પડખોપડખ ચારેક ઊંડી નજર પડી ગઈ છે.

    જર એટલે ઝાડ, પાંદ અને પાણીથી ભરેલી – અથવા તે ત્રણેયમાંથી એક પણ વગરની – ખોયા ભમ્મરિયા ખીણો : દસ બાર મથોડાં ઊંચી ભેખડના કાંઠા વચ્ચે સાંકડી, સૂરજના અજવાળાને પોતાના પોલાણમાં માંડમાંડ પેસવા આપતી નહેરો : ધરતીના કલેજામાં એકાદ-બબે ગાઉના ચીરા : શિકાર-શોખીન રાજાઓને પોતાના દીપડા સંઘરવાનાં મોકળાં પાંજરા.

    એવી એક સૂકી જરને માથે ઝૂલતો બપોરનો સૂર્ય ચાલ્યો જતો હતો. રાતનું મારણા કરીને ધરાયેલો એક લાંબો દીપડો જરના એક પોલાણમાં હાંફતોહાંફતો આરામ લેતો હતો. એનું સફેદ પેટ કોઈ છત્રીપલંગના ગાદલા જેવું ઉપસતું હતું. .

    પણ આજ એને જાણે હસવું આવતું હતું. ઘણાં વરસો સુધી જરા-કાંઠાનાં માણસોને એણે મૂર્દા જ માન્યાં હતાં. પોતાને ફાવે તે ગાય, ભેંસ કે બકરું ઉઠાવી જઈ જરમાં ભક્ષ કરવાનો એને સાદર પરવાનો હતો. ગામલોકોની ભરી બંદૂકો અને તરવારો લાકડીઓ આ દીપડાને મન તરણાં હતાં. એ જાનવરને પણ સાન આવી ગઈ હતી કે પોતે એક રાજમાન્ય પશુ છે, ને રાજમાન્ય હોવાથી મનુષ્યોનો પણ પોતે હાકેમ છે જાણે જીવતો વેરો ઉઘરાવનાર અમલદાર છે.

    એની એવી અમલદારીના આરામમાં આજે થોડી ખલેલ પહોંચી છે. સામે કાંઠેથી મનુષ્યો એને 'હો-હો-હો-હો' એવા હાકલા પાડીને શું કહેવા માગે છે? બંદૂકોના ખાલી બાર આ માણસો શા સારુ કરી રહ્યા છે? શું તેઓની પાસે બે તોલા સીસું નથી? કે શું મારો લગ્નોત્સવ ઊજવનારું આ ટોળું છે!

    દરેક હોકારાને તો એ નિગાહમાં પણ લેતો નથી. કોઈક કોઈક જ વાર એ પોતાના છરા જેવા દાંત દેખાડીને માથું ધુણાવતો ધુણાવતો વ્યંગમાં જાણે કહે છે કે 'કઈ ગાય જોડે મારું વેશવાળ કરવા આવ્યા છો!'

    હોકારા પાડનારા માયલા ચાર-પાંચ રજપૂતો હતા, ચાર-છ સંધીઓ હતા, કોળી પગીઓ હતા, રબારીઓ ને આહીરો હતા. એમાંના જુવાનો એ જરને કાંઠે ઓચિંતા ઉગી નીકળેલા નીલાછમ સોટા જેવા હતા; બુઢ્ઢાઓ વડલાનીએ વડવાઈઓની યાદ દેતા હતા. તેમના હાથમાં કડિયાળી લાકડીઓ , ગાંઠવાળા ગોબા અને બંદૂકો હતાં; છતાં તેમનાં મોં પર શિકારે નીકળેલા સેલાણીઓની છટા નહોતી, તેમ દીપડાની કશી દહેશત પણ નહોતી. તેમના મોં પર આશા અને ચિંતાની ગંગા-જમની ગૂંથાયેલી હતી.

    "હો-હો-હો, કુત્તા!" એક જુવાને પણકાનો ઘા કર્યો. ઘાએ બરાબર દીપડાના ગોરા ડેબાને આંટ્યું. બોદા ઢોલ ઉપર ધીરી દાંડી પડે તેના જેવો અવાજ થયો. તે વાતની નોંધ દીપડાએ પણ લીધી: જરાક ઊઠીને એ આગળ ચાલ્યો. પાછો એ બેઠો, ને રિસાયેલા વરરાજાની પેઠે એણે ફરી પાછી પોતાની કાયા લંબાવી; જાણે લાંબો કોઈ અજગર પડ્યો. તે પછીના પથ્થરોને એને ગણકાર્યા નહિ.
  "એલા, ભાઈ!" સીમાડા વેધતી તીણી નજર નાખીને પગીએ કહ્યું: "બાપુ તો મે'માનને લઈને વળી પાછા આગળ જઈ બેઠા!"
  "પણ ઈ તે કેવા શિકારી!" બીજાએ કહું.
  "સૂરજ ઈમને આંખ્યુંમા આવતો લાગે છે." ત્રીજો બોલ્યો.
  "પણ દી હમણાં આથમશે તેનું કેમ?"

  "તો તો આપણી તમામ આશા ધૂળ મળશે." એક બુઢ્ઢાએ નિશ્વાસ નાખ્યો, અને જવાનોને કહ્યું:"બેટાઓ, ગામ ખોઈ બેઠા છીએ ઈ પાછું મળવાનો આ મોકો પે'લો ને છેલ્લો છે, હો કે!"
  "પણ શું કરવું, બાપુ?" બુઢ્ઢાના બે દીકરાઓમાંથી એકે ચીડ બતાવી: "આ પલીત જાનવર ખસે જ નહિ! માંદણે બેસી ગયેલું ડોબું જાણે! આ તે કાંઈ દીપડો છે!"
  "એ જુઓ, કો'ક જણ બાપુની પાસેથી દોડતો આવે છે. એલા, હોકારો દીપડાને, હોકારો ઝટ. આ તો પ્રભાતસંગ સા'બ જ લાગે છે. ઝટ હોકારો, મારા દીકરાઓ! આ મોકો પે'લો ને છેલ્લો છે , હો બાપ!"
    એમ કહીને બુઢ્ઢો પોતાના થાકેલા પુત્રોને પાણી ચડાવતો હતો. બેઉ દીકરાએ એક પછી એક જવાબ દીધો: " તમે, બાપુ, અમને કોઈક ધિંગાણે પડકારતા હોત તો તો અમારાંય પારખાં થાત. પણ આ અઘરણીનાં પગલાં ભરતા કુત્તા માથે તો અમારું શું બળજોર ચાલે?"
  "નીકર તો ઘણુંય એને લાકડિયે-લાકડિયે ટીપી નાખીયે." બીજો ભાઈ બોલ્યો.
  "અરે, એક કવાડીનો ઘરાક છે." સંધી જુવાને કહ્યું.
  "ના બાપ!" ડોસો બોલ્યો:"જીવતો ને જીવતો ક એને તો ગવન્ડર સા'બ સામે પોગાડજો; નીકર વાટકીનું શિરામણ રિયું છે એય આપણે હારી બેસશું."
  "એ હેઈ હરામ..." દોડીને આવતા એ ખાખી પોશાકધારી આદમીએ લાંબો હાથ કરીને પોતાના તપેલા તાળવામાંથી અરધો કુશબ્દ કાઢ્યો: "ત્મારો દી કેમ ફર્યો છે!"

  "પણ શું કરીએ, સા'બ!" બુઢ્ઢાએ માથે હાથ મૂક્યો: " ઠેઠ સવારના તગડીએં છીએં, ઠેઠ જરના ઓતરદા છેડાથી ઉઠાડ્યો છે, પણ ઈ પલીત હાલે જ નહિ તેનું કરવું શું?"
  "પણ આ દી હાલ્યો ને ઓલ્યો તમારો કાકો ત્યાં બેઠો બેઠો ઊકળી હાલ્યો છે. ઈ તમને સૌને તેલની કડામાં તળશે, ખબર છે?"
  "અમેય એ જ વિચારીએ છીએ." બુઢ્ઢો બોલ્યો: "પણ..."
  “પણ-પણ લવો મા, ને હાંકો ઝટ તમારા બાપને – દીપડાને.”

  “પણ અંધારું થઈ જાશે ને ત્યાં પછેં જરા થઈ જાશે છીછરી; ને પછી આ હાથ આવશે? બાપુએ કહીને સા’બને જ ઓરા લાવશો?”
  “સાહેબ તમારો નોકર હશે!” અમલદારના દાંત કચકચ્યા “ “હોલ હિંદુસ્તાનનો હાકેમાં તમ સાટું થઈને હીં આવશે – એમ ને? તમારો ડોસો ચીરીને રાઈમેથી ભરશે – જાણો છો, સાંધીડાઓ?”
    અમલદારની આ તોછડાઈને ગામડિયાઓ પી જતાં હતા; બહુ મુશ્કેલીથી ગળે ઉતારતા હતા.
  “પણ ત્યારે આપ કહો તેમ કરીએ.” ડોસો ફરીથી કરગર્યો.
  "અમલદારે એક ક્ષણ નજર ટેકવી આઘે આઘે ગાયોનાં ઘણ અને ભેંસોનાં ખાડુ ગામડા ભણી વળતાં હતાં.
  "દોડો દોડો ઝટ, મલકના ચોરટાઓ!" એણે દાંત ભીંસી ભીંસીને કહ્યું : "ભેંસુના ખાડુને વાળી આવો - ને નાખો જરમાં."
    "સાંભળતાંને વાર જ એકએક મોં નિસ્તેજ બન્યું. સૌએ એકબીજાની આંખોમાંથી પોતાના ડૂબતા હૈયાનો આધાર શોધ્યો. આખા ગામની ભૅંસોને એક દીપડાના મોઢામાં ઓરવાની વાત પણ એ પૃથ્વી પરની જરના જેવી એક માનસિક જર બની ગઈ. એ વાત કરનારનાં જડબાં અને સામે સૂતેલ પશુના ડાચા વચ્ચે કોઈ ભેદ ન રહ્યો.
  "થીજી કેમ રિયા છો...?" અધિકારીએ પોતાની જીભ પર ધસતાં વિશેષણોને હોઠની વચ્ચે દબાવી દેવ કોશિશ કરી: " આ દી આથમશે ત્યારે તમે ને તમારાં છોકરાં..."
  "ચાલો, મોટાભાઈ!" બુઢ્ઢા રાજપૂતના બે દીકરામાંથી નાનાએ મોટાભાઈનો હાથ ઝાલ્યો: "આપણે જ ઊતરીએ."
  "ઊતરો તો પછી! એ શુક્ન જોવાં છે હજી!"
    એટલું બોલીને અધિકારીએ પોતાની બંદૂક આ જુવાનોને જાણે કે જરમાં હડસેલવા માટે લાંબી કરી.

    એ એક પળમાં બુઢ્ઢાનો બુઢાપો બેવડો બની ગયો. એનો હાથ ચોરની માફક લાંબો થયો.

    જુવાન છોકરા - જેવી એની મૂછો જરી જરી મરોડ ખાવા લાગી હતી. તેણે - જરની ભેખડ પરથી નીચે નજર નાખી ત્યાં તો -

    "હણેં હલ હલ, તૈયબ" એક સંધીએ બીજાને કહ્યું. કહેવાની સાથે જ એનો હાથ ઝાલ્યો. રજપૂતો જોતા રહ્યા ત્યાં તો ઘટાદાર દાઢીવાળા બે સંધીઓએ ભેખડ પરથી દસ મથોડાંના ઢોળાવમાં શરીર રોડવ્યાં. ""પાંજો ગામ... પાંજો ગરાસ..." એવા બોલ એ ખાબકતા સંધીઓના મોંમાંથી સંભળાયા.

    એ બોલ પૂરો થતાં પહેલાં તો અંદરની કરાડમાં બેઠેલા દીપડાએ છલાંગ મારી: નીચે ઉતરેલા સંધીની ગરદન દીપડાના દાંત વચ્ચે ગઈ: નીચે પાનીનો ખાડો ભર્યો હતો, ને ખાડામાં દીપડાએ સંધીનું માથું ઝબોળી નાખ્યું.

    પાછળ પહોંચેલા સંધીઓ પોતાના ભાઈને ચૂંથાતો જોયો. એની પાસે બંદૂક નહોતી. એણે ચીસ પાડી: પગી, પગી, ભડાકો કર મારા ભાઈ..."

    પણ ભેખડ પર ઊભેલા પગીના હાથમાં બંદૂક થંભી જ રહી. હાકેમના શિકાર માટે નક્કી થયેલ દીપડાને પગી કેમ મારી શકે?

    સંધીઓએ બંદૂકની વાટ જોવાનું છોડી દીધું. એણે દોટ દીધી ને લાકડીનો ઘા કરો... એ ઘા દીપડાના ઝડબા પર ઝોંકાયો.

    "વે-હ" એવો એક જ અવાજ કરીને દીપદો એક બાજુ જઈ પડ્યો. ઊઠીને એણે ઊભી જરનો માર્ગ લીધો.

    થોડાંક જ કદમો એ દીપડો સલામત બન્યો.
    કારણ?
    કારણ કે અહીં જરની ભેખડોનાં માથાં સામસામાં ઢૂંકડા થઈ જાય છે. બેય કાંઠા જાણે કે કમાન કરીન એકબીજાને અડું-અડું થતાં અટકી ગયા છે.

    તળીયે પડેલા પહોળાં નદી-પટને માથે બેઉ કિનારા એવા તો લગોલગ ઝૂકી પડ્યા છે કે માથે થઈને હરણાં ટપી જાય. એની એક બાજુએ લપાઈને દીપડો બેસી ગયો.જખમી સંધીને લઈ એનો ભાઈ મથાળે ચડ્યો. એની બોચી દીપડાએ ચૂંથી નાખી હતી.

    પ્રભાતસંગ સાહેબ ત્યાં ઊભા હતા, એણે આઠ-દસ મોટરોના કાફલામાંથી એકને ત્યાં બોલાવી કહ્યું: "નાખો એને અંદર; ઝટ ઉપાડી જાવ રાવળગઢ."
  "પણ પણ, સાહેબ," સંધી આડો પડ્યો: "ગામમાં જ લઈ જઈને અમે દવાદારૂ કરીએ તો?"
  "એમ?" ગરાસિયા અધિકારી ફરીવાર ગરમ થયા: "ગામમાં જઈને ભવાડો કરવો છે, ગગા? એમ ગામ પાછું મળશે?"
    જખ્મીને ઉઠાવીને મોટર ચાલી નીકળી. એ જુવાનને તો સાહેબની ગાળમાંથી પણ આશાનો તાંતણો જડ્યો કે, ભાઈનું તો થવું હોય તે થાશે, પણ ગયેલા ગામના તો ફરીથી ગામેતી બની શકાશે! ભાઈનાં છોકરાંના તો તક્દીર ઊઘડશે!

    દરમિયાન જરના આગલા ભાગમાં રાજપરોણા ગોરા હાકેમની શિકાર-મંડળી ઢોલિયા પર બેઠી બેઠી ઊતરતાં સૂર્યને જોઈ અધીરાઈમાં ગરમ થતી હતી. આ બાજુ બાકી રહેલા ગામડિયાઓ ભેખડની કમાન હેઠળ બેઠેલ દીપડાને દેખી શક્તા નહોતા. ઉપર છેક કિનારી સુધી જઈ જઈને પછેડીઓ અને ફાળિયાં ઉડાડતા હતા, પણ તેનો દીપડાને તો વાયે વાયો નહિ!

    ફરીવાર પ્રભાતસંગ આહેબની જીભ ચાલુ થાય છે: "કોઈ વાતે પણ દીપડાને સાંકડી જગ્યાના પોલાણમાંથી કાઢો! નીકર રાઈ રાઈ જેવડા કટકા કરશે બાપો તમારો."

    "બાપુ!" બુઢ્ઢા ગરાસિયાના દીકરાએ પોતાના બાપ સાથે છૂપી મસલત ચલાવી:"શિકાર ઘોળ્યો જાય. ઇનામનીયે અબળખા રહી નથી. પણ આ દીપડાએ હવે લોહી ચાખ્યું. હવે એ વકર્યો. જીવતો રિયો તો આપણાં ગામડાંનું તો આવી બન્યું. ગરાસિયાનાં ઘરને વાસવાના કમાડ નથી રિયાં. અંદર પેસી પેસીને દીપડો આપણાં ગળાં ચૂસશે. એટલે હવે તો એનો શિકાર કરાવ્યે જ છૂટકો."
  "શું કરવું પણ?" બુઢ્ઢાએ મૂંઝવણ અનુભવી.
  "એ તો હવે ઠાકર ઠાકર!"
  "એટલે?"
  "એટલે એમ કે હું ને મોટોભાઈ ઊતરીએ. ને પાણે મારી મારી કુત્તાને જરને સામે છેડે કાઢીએ. બીજુ શું થાય?"
  "હા જ તો! બીજુ શું થાય? ગામને ચૂંથે તે કરતાં તો આપણને જ ભલે ચૂંથતો!"
    બાપ જોઈ રહ્યો, ને બેય જુવાનો પાણકાની ખોઈ વાળીને જરમાં ઊતરી પડ્યા. ભાગવાની કોઈ જગ્યા નથી રહેતી તેવા પોલાણ નીચેથી એમણે હાંફતા દીપડાના ગોરા ડેબાને પાણકેપાણકે કૂટ્યું.
"ખબરદાર!" ઉપરથી અમલદારની હાક આવતી હતી: "દીપડો ન મરે હોં કે!"
    જીવતા દીપડાને એ પાણકાની ચણચણાટ લાગતી ગોળીઓએ પોલાણની આગલી બાજુએ કાઢ્યો.
  "સા'બ! સા'બ!" પગીએ અમલદારને કહ્યું : હવે ઝટ પોગો, ને બાપુને કહો કે ગોળિયું છોડે; નીકર હમણાં દીપડો જર બા'ર ગયો સમજો. હવે જર છીછરી થઈ ગઈ છે."
  "પણ, ભૈ!" અમલદારે કહ્યું:"ઈ ત્યાં પોગાડ્યા વિના શિકાર નહિ કરે."
  "પણ આ તો ગયો હો!"
  "એને જરાક જખ્માવી નાખ તું, પગી, પણ ખબરદાર! જોજે હો, મરે નહિ."
  "પગીએ આ વખતે બંદૂકમાં ગોળી ભરી: બંદૂક છોડી: દીપડાનો પાછલો એક પગ સાથળમાંથી ખોટો પાડ્યો."

  "લંગડાતો દીપડો દોડીને એક બાજુ નાની એવી બખોલમાં પેસી ગયો. એનું સફેદ ડેબું ત્યાં જાણે કે મહેમાનોની ગોળીઓનું અદલ નિશાન બનવા માટે જ ગોઠવાઈ ગયું. "હાં, યસ! ધેરઝ ધ મિલ્ક વ્યાઇટ સ્ટમક! શૂટ!" - બરાબર ! ઓ રહ્યું પેલું દૂધીયું સફેદ ડેબું: લગાવો ગોલી! - એવા હર્ષ ભર્યા અંગ્રેજ લલકાર થયા.
    મહેમાન અને મિજબાન બન્નેની છેલ્લામાં છેલ્લી ધબની બંદૂકોમાંથી ઉપરાછપરી ગોળીઓ વછૂટી. નિશાન લેવાની તો જરૂર નહોતી. ઢોલિયે બેઠાંબેઠાં જ શિકાર પૂરો થયો.

    દિવસ આથમતા પહેલાં ત્યાં જરને કાંઠે દસ મોટરોની ધૂળના ગોટા ઉડ્યા.
    ધૂળ ઊડીને પાછી ધરતીને ખોળે ઢલી. સૂરજ સૂરજને ઘેર ગયો.
    રહ્યા માત્ર એ બે ગામના સંધીઓ અને રાજપૂતો. તેઓએ એકજાની સામે જોયું.
    મરી ગયેલા દિવસની મૈયત જેવા ઢોલિયા ઉપાડીને ગામડિયાઓ ગામડાં ભણી વળ્યાં.
(પૂર્ણ)


0 comments


Leave comment