74 - સખી, સંબંધો ઝૂલતા મિનારા... / તુષાર શુક્લ


સખી, સંબંધો ઝૂલતા મિનારા
આમે ઝૂકે ને વળી તેમે ઝૂકે
કે એના શોધ્યા જડે ના કિનારા
સખી, સંબંધો ઝૂલતા મિનારા

આઘેથી, ઓરેથી, ફળિયા કે ચોરેથી
સંબંધાવાના દાણ માંગે
ભીતરને ભાંગીને ભૂક્કો કરે ને તોય
મુદ્દલ ઊભું ને વ્યાજ માગે.
શોષે ને શોભે આ પીળચટ્ટી વેલ
એના કાયમના હોય ના ઉતારા
સખી, સંબંધો ઝૂલતા મિનારા.

ઓસરીને, ઓરડામાં, આખા યે ખોરડામાં
પોતીકા થઇને એ ફોરતાં
લીલાંછમ હોવાની ડાળખીને રોજ રોજ
રાફડામાં સંતાઇ કોરતાં
તરસ્યાના કંઠમાં જ કૂવો ગળાવે પછી
પ્યાલું ભરીને ફોડનારા.
સખી, સંબંધો ઝૂલતા મિનારા.


0 comments


Leave comment