76 - માછલીને ચ્હાવાની વાતો કરીએ / તુષાર શુક્લ


માછલીને ચ્હાવાની વાતો કરીએ
ને વળી આંખોમાં એક્વેરિયમ રાખીએ
કોરપની શરતો ને કોરે મૂકીને.
ચાલ, દરિયે જઈને કહેણ નાખીએ

ખોબો પાણીનો અમે દરિયો સજાવતાં
ને પરવાળા મુઠ્ઠી મંગાવતાં
વૃક્ષોની ભ્રમણામાં ભીંતો ઉછેરતાં
ને લીલુડા રંગે રંગાવતા
ચીતરેલી પાંખોને રેકોર્ડેડ ટહુકામાં
આકાશી ઉલ્લાસો આંબીએ....

ઘૂઘવાતાં મોજાંની ઊછળતી મસ્તી
ને કાંઠે આ રેતીનાં ઘર
હૈયામાં તરફડતી વહેવાની ઝંખનાને
બીડેલા હોઠોનો ડર
નસનસમાં નાળિયેરી છાંયો વહે
ને તો ય દરિયા ને દૂર દૂર રાખીએ....

આંખોમાં જલરંગી શમણાંના ગીત
હું તો રૂંવે રૂંવેથી એને માણું
માછલી સંગાથ પ્રીત બાંધવી જો હોય
તો એ દરિયે ઝંપલાવવાનું ટાણું
ઘૂઘવાતા મોજાંની ધસમસતી મસ્તીને
કાંઠે રહીને શું જાણીએ?


0 comments


Leave comment