77 - તારી હથેલીમાં હોઠોથી આલેખ્યાં / તુષાર શુક્લ


તારી હથેલીમાં હોઠોથી આલેખ્યાં
શબ્દોનાં સ્મરણોમાં રાચું
હવે કવિતા છે કાગળ પર, ચશ્માં છે આંખો પર
એકાન્તે એકલો હું વાંચું
સખી, આ પણ સાચું છે ને એ પણ સાચું

હેમંતી વાયરાની પાંખે ચડીને
રોજ કેટલાય કિલોમીટર કાપતા
હવે ઠંડીના ચમકારે ઓરડામાં બેસીને
હીટરના અજવાળે તાપતા
હવે પાકા મકાનમાં આ જીવવું કાચું

પહેલા વરસાદે તારી છ્ત્રી ના ખૂલતી
ને રેઇનકોટ હું ય ભૂલી જતો
બારીમાં બેસીને નિરખું વરસાદ હવે
સ્મરણોમાં રહેતા ભીંજાતો
તો ય શમણામાં મોર થાય નાચું નાચું

ગુલમ્હોરી સ્હાંજોના ઓસરતા અંધારે
હાથોમાં હાથ લઇ ચાલતા
હવે ટ્રાફિકની અડચણનાં અણસારે ઝીલેલા
હાથને ય હળવે છોડાવતા
ખરો સથવારો આજ તારી પાસે જાચું


0 comments


Leave comment