78 - મારી ઈચ્છાના ખેતરમાં / તુષાર શુક્લ


મારી ઇચ્છાના ખેતરમાં ચાડિયાની જેમ
તમે ઊભા, તો ઊભા શું કામનું?
રાત દિવસ શંકાની સોય સમું અણિયાળું
સાથે હોવું તે છે નામનું

વાયરા સંગાથે તમને લ્હેરતાં ન આવડ્યું
ન આવડ્યું જરાય વ્હાલ વેરતા
દાણે ભરપુર તો ય કણસ્યા કણસલાને
આવડી ન જાણ્યું ઉછેરતાં
ખેતર ને પંખીના સમજો સંબંધને તો
આખું આકાશ આવે આમનું

ખેતરમાં ઊભવા ને ઊગવાનો ભેદ
મારે કેમ કરી સમજાવવો તમને
મૂળ નાખી મ્હોરો તો માટીને થાય
કોઇ મન મૂકી ચાહે છે અમને
પંખીનું સરનામું ખેતર, પણ
ચાડિયાને સરનામું હોય ક્યા ગામનું?

ખેતર તો પંખીના ટહુકે હરખાય
હવે, મૂંગુ આ ખેતર લ્યો આપનું.


0 comments


Leave comment