79 - વરસે વરસાદ હજી એવો ને એટલો જ / તુષાર શુક્લ
વરસે વરસાદ હજી એવો ને એટલો જ
આંગળીઓ વચ્ચેનું અંતર વધ્યું છે
એથી ઝીલાય નહીં ખોબામાં જલધારા
મોસમનું જોર નહિ સ્હેજે ઘટ્યું છે.
આપણી જ આંગળીઓ વચ્ચેના અંતરને
આપણે જ વધતું ન જાણ્યું
ઉપરના ચળકાટે અટવાયાં બેઉ
કદી ભીતરને આપણે ન માણ્યું
સંગાથે છેડવાના સૂર ને ભૂલી ને, સખી
આપણે તો આપણું જ ગાણું રટ્યું છે!
આપણી જ આંગળીઓ વચ્ચેનું અંતર એ
સમજણનું અણ સમજણ થાવું
છત્રી નીચે ક્યાંથી સંભવ હો સાજન
એ પહેલાનાં જેવું ભીંજાવું !
રેઇનકોટ ઓઢીને ઉજવે અષાઢ
એની કોરપનું દર્દ, સજન, ક્યારે મટયું છે!
શંકાની સોય લઈ ના રે સીવાય કદી
લાગણીના લાખ લાખ લીરા
આંખો અંજાય એને ક્યાંથી કળાય
કોણ કાચ હશે, કોણ હશે હીરા?
તારું ને મારું ના થતું સહિયારું હજી
હું પદના ઉંબરાને કોઈ ના વટયું છે!
0 comments
Leave comment