80 - એમ કાગડાનું કીધું મનાય નહીં / તુષાર શુક્લ


એમ કાગડાનું કીધું મનાય નહીં
હવે સખી, અટકળની આંખે જીવાય નહીં

આવવાનો હોત તો આવ્યો ન હોત?
કૉલ એણે દીધેલો કે કોઇએ?
કાગળમાં ચીતર્યા છે અક્ષર અગિયાર અમે
‘વાટ તારી જોઇએ ને રોઇએ’
અષાઢી આભમાં છો ઘેરાયા મેઘ
એને મારું ચોમાસુ કહેવાય નહીં
ધોધમાર વરસે ને તોય જીવ તરસે
એ વરસાદી મોસમ કહેવાય નહીં

કાગડો તો પોતાની મરજીનો માલિક
તે થાય એને એવું કે બોલીએ
એના બોલ્યેથી સખી, આશા બંધાય
અને થાય, એને મોતીડે તોલીએ
કાગડાના બેસવા ને ડાળ તણા પડવાની
ઘટનાને જોડી દેવાય નહીં
શુકન અપશુકન તો વારતામાં હોય
એવી વાતોને માની લેવાય નહીં

કાગડાના બોલ અને પ્રીતમના કોલ
એના ઠાલા ભરોસા શું રાખવા?
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે
ખોટા રે જોશ શાને ભાખવા?
દંતકથા જેવા કોઇ મનગમતા અંત તણે
આધારે જીવી રહેવાય નહીં
બે ત્રણ કે ચાર વાતો મળતી આવે છે
એમાં મનને સમજાવો વહેમાય નહીં


0 comments


Leave comment