81 - આ ઉદાસી સ્હાંજની / તુષાર શુક્લ


આ ઉદાસી સ્હાંજની આ રેશમી યાદોનાં રણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાના રેતકણ

હું ત્વચાનું ગામ, તું બેફામ લીલપ પાંગરે
ને કિનારે સૂર્યના સો સો વહાણો લાંગરે
તું હથેળીમાં સતત ગળતું અનાગતનું કળણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાનાં રેતકણ

હું અજાણ્યા શ્હેરમાં, તું ઓગળે ધુમ્મસ બની
હું ગુલાબી શ્વાસ ઓઢી, શોધતો શેરી ગલી
તું મળે મારી જ અંદર, સાદ હું પાડું ય, પણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાંના રેતકણ.

હાથમાં અકબંધ છે એ મુગ્ધ ચ્હેરાની ભીનાશ.
આ અડોઅડ પાસ પાસે, આપણા શ્વાસોચ્છ્વાસ
તું સરકતી પળની માફક, હું ચહું પ્રત્યેક ક્ષણ.
ઊંટની આંખોમાં ઝિણોમલ કારવાંના રેતકણ.


0 comments


Leave comment