82 - પછી બળબળતા રણ કેરી ઝળહળતી રેત / તુષાર શુક્લ


પછી બળબળતા રણ કેરી ઝળહળતી રેત
મારી કીકીને આરપાર વીંધશે
પછી તડકાનું ટળવળતું પંખી આવીને
તારા આંગણાનો ગરમાળો ચીંધશે

શ્હેર તણી આંખોમાં સૂરજના ન્હોર
અને લીલી ત્વચાનું ગામ ખૂલ્લું
સપનાનું નામ મેં તો રાખ્યું ગુલમ્હોર
અને ઊંબર પર ઊભી અધખૂલ્લું

પછી નીંદર વિનાની રાત વેરણ થશે
ને મને પાંગત પર બેસીને પીંખશે
પછી તડકાનું ટળવળતું પંખી આવીને
તારા આંગણનો ગરમાળો ચીંધશે.

સાગરની ઝંખનાનાં મોજાં ઘૂઘવતાં
ને નસ નસમાં ઉછળે તોફાન
મઘમઘતી ગંધ તણાં ઉમટ્યાં છે પૂર
આ તે હૈયું બળે કે લોબાન!

પછી મૃગજળ વિનાનું એક બળબળતું રણ
મને રહી રહીને પાસે બોલાવશે
પછી પીંડીમાં ટળવળતાં હરણાંના સમ
મને રેતીમાં અનહદ દોડાવશે.


0 comments


Leave comment