83 - છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના / તુષાર શુક્લ


છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના ધસી આવતી બ્હાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું!

હથેલીઓમાં પારિજાતની સુવાસ લઇને, આવું એક સવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું!

રૂંવે રૂંવેથી દિપશીખા ઝળહળે
થાય, તું મેઘ થઇને મળે!
ઝંખના આજ હવે બસ ફળે
મીન મન ક્યાં સુધી ટળવળે?
રણની બળતી કાંધ ઉપર આ કાળઝાળ ડમરી આજ ઊઠી ભેંકાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું!

રેતકણ આંખમાં ઝીણું કળે
સ્મરણના શોષ બાઝતા ગળે
હોઠ ને મૃગજળ મીઠું છળે
વેગ ના કેમે પાછો વળે.
ખડક તણા આ કાળમીંઢ સંયમને તોડી વહું હું જલની ધાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું!

આલિંગન આવકારમાં મળે
સ્નેહ મુજ સ્વીકાર થઇને ફળે
જામ આ એકમેકમાં ઢળે
બેઉ જણ અરસ પરસ ઓગળે
આખું આ અસ્તિત્વ ઊજવે તરસ તણો તહેવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું!

આજ અપમાનિત પાછો વળું?
ટૂંપી દઉં મિલન સ્વપ્નનું ગળું?
એકલો અંદર અંદર બળું?
હું જ પોતે પોતાને છળું?
પૂર થઇને પાછો આવીશ, વરસીશ મૂશળધાર
ભલેને બંધ કરે તું દ્વાર, થાય શું?


0 comments


Leave comment