84 - તારા હૃદય આકાશમાં હું / તુષાર શુક્લ
તારા હ્રદય આકાશમાં હું યાદનું વાદળ બની આવી ચઢું
ને સમયના સૂર્યને ઢાંકી દઉં
તો તું મને બોલાવશે?
તારી સમજના ગામમાં હું અણસમજનો ઢોલ થઇ વાગી ઉઠું
ને સમજના શબ્દને હાંકી જઉં
તો તું મને બોલાવશે?
ઉંબરાની ધાર પર અરધી ભીંજાતી હોય તું
ઓરડાની આંખના પ્રશ્નો દઝાડે તોય શું!
તારી નજરના ગામ કેરી સાવ સૂની સીમમાં હું મોર થઇ ટહૂકી રહું
ને પીચ્છ થઇ સ્પર્શી જઉં
તો તું મને બોલાવશે?
આંખમાં રેતી પડ્યાનું રમ્ય બ્હાનું લઇ અને તું
રેશમી રૂમાલ આડેથી જીવી જાતી મને તું
તારા નયનના જામમાં હું, ને તરસતા ગામમાં હું થઇ સૂરા છલકી ઉઠું
ને તપ્તની તૃપ્તિ બનું
તો તું મને બોલાવશે?
હાથ કોઇના હાથમાં, ને હસ્તરેખા કેદ હો
અંગ સાથે અંગ પણ ધબકાર માંહે ભેદ હો
તારી સુંવાળી છાતી કેરા સ્નિગ્ધ સુંદર ઢાળ પર હું કંપ થઇ દોડી જઉં
ને અર્થને ખોલી દઉં
તો તું મને બોલાવશે?
0 comments
Leave comment