1.2 - લોકગીતોમાં મોરનું અર્થપૂર્ણ નિરૂપણ / કોયલ બેઠી આંબલિયાની ડાળ / બળવંત જાની


    વર્ષારાણીનાં આગમનના પગરવના અણસાર આવી જતો હોય છે મોરની કેકા-ટહુકારા દ્વારા. મોરની સાથે આપનો સંબંધ જુગજુગનો છે. પ્રાચીન પરંપરાથી ભારતીય સાહિત્યમાં ચિરંજીવ રીતે નિરૂપાતા રહેલા મોરને લોક પરંપરામાં કેવા સ્વરૂપે અભિવ્યક્તિ સાંપડી છે એને આલેખીને એ નિમિત્તે લોકમાણસની પરકમ્મા પણ થાય અને એનાથી પણ એક લોકયાત્રાનું-સંસ્કૃતિયાત્રાનું પુણ્ય રળી શકાય. બહુ જ પ્રચલિત એક લોકગીતનો ઉપાડ આસ્વાદીએ.

‘બોલ ઝીણાં મોર, લીલી નાઘેરમારું,
લીલી નાઘેરમાં, ને લીલી વનરાઈમાં.’
    ચોરવાડ, માંગરોળના લીલી નાઘેર તરીકે આમ્ર કૂંજોથી, કેળ વૃક્ષોથી લીલી છમ્મ ઘેઘૂર વનરાઈમાં ટહૂકતા મોરનું દૃશ્ય કલ્પન આપણાં મનને ભરી દે છે.

    પ્રાથમિક શાળામાં પ્રાર્થનામાં અમે ગાતા હતા :
‘પેલાં મોરલાની પાસ બેઠા શારદા જોને,
આપે વિદ્યા કેરું દાન, માતા શારદા જોને.’
    એમાં આ મોરલા દ્વારા જાણે સૂચવાતું હતું કે જે મોર દેખાય છે એની બાજુમાં સરસ્વતી હોય જ. મોરને તો ગુજરાતમાં કોણે નહીં જોયો હોય અને જોનારના મનમાં એ ચિરંજીવીપણે સ્થાન પણ પામ્યો હોય. મોર આપણે મન સરસ્વતીનું વાહન અને ભારે પવિત્ર-પૂજ્ય. પણ મારી બહેનને મેં ભરતગૂંથણ કરતી એમાં મોરને આલેખતો જોયો એ મારી નજરનો, મારા પરિચયનો મોર ન હતો. એમાં જુદા જુદા બે મોર સામ સામે છે એવું દૃશ્ય હતું. પણ બંનેનું મુખ એક હતું. બે શરીર અને એક મસ્તકના લોકભરતમાં આમાંથી પ્રેમનાં-એકત્વના પ્રતીક રૂપ જોડલું પ્રગટે છે. લોકમાણસમાં દામ્પત્ય પ્રેમના એકત્વના પ્રતીક રૂપે બે શરીર અને એક મુખ એવી સંયુક્ત આકારની મોર ભરતકામની રચના છે. આમ, મોરલો લોકમાનસમાં તો પ્રેમના પ્રતીક રૂપે છે. શિષ્ટ પરંપરામાં સરસ્વતીના અને કાર્તિકના વાહન રૂપે નિરુપીત મયુર લોકપરંપરામાં આમ પ્રેમના, ઉલ્લાસના પ્રતીક રૂપે સ્થાન અને માન પામેલ છે. દુહામાં પણ એ ભાવનું પ્રબળ રીતે નિરૂપણ થયેલું જોવા મળે છે.

ક્યાં ચંદ્ર ને ક્યાં ચકોર, ક્યાં મોર ને ક્યાં મેહ,
અળગા તોયે ઢૂંકડા, સાચુકલો જ્યાં સ્નેહ.’
    મોર માટે આકાશમાં મેઘ જેટલો દૂર છે, અને એ જ રીતે ચકોર પક્ષી માટે આકાશમાંનો ચંદ્ર પણ કેટલો દૂર છે, છતાં સાચો સ્નેહ એવી વસ્તુ છે કે જે અંતર કે અવકાશ રાખતા નથી. મયુરનો ટહુકાર અને ચકોરનો ચિત્કાર એના પુરાવા છે. લોકપરંપરામાં આમ મોર સતત પ્રેમના પ્રતીક રૂપે નિરૂપાયેલ જોવા મળે છે.
* * *
    મોર-ઢેલની પાંખો ભારે મોટી હોય છે. કહેવાય છે કે વર્ષાઋતુમાં પોતાના બચ્ચાને વરસાદની ઝાપટથી બચાવવા માટે મોર-ઢેલ બંને પાંખો ઢાળીને એની નીચે બચ્ચાને સાચવી રાખતા હોય છે. માણસને બે ઢાળવાળા-પડાળવાળા ઘરની બાંધણીની કલ્પના મોર-ઢેલની ઢાળેલ પાંખમાંથી આવેલી. આમ, મોરે માણસને ઘરની બાંધકામની પણ કલ્પના આપી ગણાય. આપણા રહેઠાણ સાથે કેટલાં બધા રુઢિપ્રયોગો પંખી વિષયક છે. ‘પંખીના માળા જેવા નેસ’, ‘હોલાના તરપંખડા જેવું ગામ’ આપણી ચાલી માટે ‘માળો’ સંબોધન જેવા શબ્દપ્રયોગો પંખીસંસ્કૃતિ સાથેનું માણસનું જીવંત અનુસંધાન સૂચવે છે.

   ઢેલનું-મયુરનું નૃત્ય પણ માનવજાતને સ્પર્શી ગયું અને એના અનુકરણ રૂપે મયુરનૃત્ય વિકસાવ્યું. પ્રેમની અભિવ્યક્તિનું ભારે કલાત્મક રૂપ આ મયુરનૃત્યમાં દૃષ્ટિગોચર થાય છે.

    સંગીતની પરંપરામાં આપણે કોકિલનો પંચમ સ્વર અને મયુરનો ષડજ સ્વર સ્વીકાર્યો છે. મોર ખરજમાં અને ત્રણ માત્રામાં બોલે છે. આપણી શાસ્ત્રીય રાગ-રાગિણી પરંપરામાં આપણે પંચમ સૂર-સ્વરને ઝીલ્યા છે. એમની સંવેદનાનો કલશોર આપણી સંવેદનાની અભિવ્યક્તિ માટે ખપમાં લીધેલ છે.

    આમ, માનવજીવન અને સંગીત-નૃત્ય સાથે મયુર ભારે નિકટથી સંકળાયેલ છે. જીવન સાથે તેનું અનુસંધાન હોય એ જીવન વ્યવહાર સાથે પણ નિકટથી સંકળાય તે સ્વાભાવિક છે.

    ‘મોર પીંછે રળિયામણો’, ‘મોરના ઈંડા ચીતરવા ન પડે’, ‘મોર હોય તો પીંછાં આવે.’ જેવી કહેવતો આપણે ત્યાં બોલચાલમાં વણાઈ ગયેલી જોવા મળે છે. પાણી જેવી છાસ માટે ‘મોરનાં આંસુ જેવી છાસ’ જેવો શબ્દપ્રયોગ પણ સાંભળવા મળે છે. મોરનું બોલચાલનું રોજિંદી ભાષામાં પણ ભારે બળુકું સ્થાન છે. મોરને માટીના લીંપણથી ઘરમાં ઓસરીમાંની ભીંતમાં આલેખવામાં આવે છે. એના પાણિયારે ચિતરામણ પણ જોવા મળે છે. બારસાખમાં અને ટોડલિયે પણ મોરને કોટરીને સુશોભિત બારણાંની રચનાની પણ પરંપરા છે. લોકભરતમાં તો ચાંકળા, ચંદરવા, તોરણ અને પછીતપાટીમાં એના અમરબેસણાં છે. સુતરનું, હીરનું અને મોતીનું મોરભરત અનન્ય કોટિનું ગણાય છે. ખેડૂતના બળદગાડામાં પણ પિત્તળનાં મોરલા હોય. બળદને શણગારતા ભરતકામમાં પણ મોર તો હોય જ. ઠામ-વાસણમાં પણ ઠેકઠેકાણે મોરનું કોતરકામ જોવા મળે છે. સૂડી, છરી, ચપ્પા જેવા નાનકડા રોજિંદા વપરાશનાં સાધનોથી માંડીને પાનદાની અને પાણીના ગોળાને ઢાંકવાના બીજારા ઉપર પણ મોરનું કલામય રૂપ ડોકા દેતું જોવા મળે છે. મોરનું નિરૂપણ આમ અનેક સ્થાને દૃષ્ટિગોચર થાય છે.

    ગામડામાં તો હાથે-પગે વાગ્યું હોય અને સોજો ન ઊતરતો હોય તોય મયુરપીચ્છને બાવડે એ પગે વીંટાળે છે. કુંવારી છોકરીઓ વીંધેલા કાનમાં મોરપીચ્છનાં મલોખાના ટૂકડાને રાખે છે અને વીંધેલા કાનની કુમાશતા ટકી રહે છે. મોરના ભારે નીકટથી બેસણાં છે. માનવજાત સાથે, નાના છોકરાઓ ચોપડીઓમાં મોરપીચ્છ રાખે છે, એવી માન્યતા છે કે વિદ્યા આવે. મોરને છાતીએ હૈયામાં હૃદયસ્થાને ત્રોફાવાય છે. ક્યારેક જમણા કાંડે કે બાવડે પણ ત્રોફાવાની લોકપરંપરા આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે.
* * *
    મોરને લોકસંતોએ પણ એની વાણીમાં કહેણીમાં ભારે અર્થપૂર્ણ રીતે વણી લીધો છે.
    દાસી જીવન એક ભજનમાં ગાય છે :
‘મોરલા તું આવડા રૂપ ક્યાંથી લાવ્યો
મોરલો મરતલોકમાં આવ્યો.’

    મીરાંએ તો કાયામાં મોરલાને ટહૂકતો નિરુપ્યો છે, ગાય છે કે,
‘આ રે કાયામાં છે વાડીઓ હોજી
માંય મોર કરે છે ઝીંગોરા રે...’

    કૃષ્ણ ભગવાને મોર પીચ્છને મુકુટમાં સ્થાન આપ્યું છે અને નરસિંહ મહેતાએ ગયું છે કે,
‘પ્રેમરસ પાને તું મોરનાં પીચ્છઘર,
તત્વનું ટૂંપણું તુચ્છ લાગે....’

    કૃષ્ણ પ્રેમનું પયપાન કરાવવા સમર્થ છે, કારણ કે એમણે મયુરપીચ્છને ધારણ કર્યું છે. માણસને નહીં ભક્તને પણ શ્રદ્ધા બેઠી મયુરપીચ્છ દર્શનથી, મોરના ભારે કણે કે જબરાં કામણ છે માનવી જેવા સામાન્યથી માંડીને ભક્તરાજ યોગી અને ભક્તવત્સલ ભગવાન ઉપર પણ.

    સંતવાણીમાં ગાયકોએ મયુરપીચ્છના ગુચ્છથી તંબુરને શણગાર્યો છે. મયુરપીચ્છના ગુચ્છથી ભક્ત પૂજારીઓ ભગવાનના આસનને-સ્થાનકને સાફસૂફ કરે છે. અરે ! સૂફી દરવેશ પણ દરગાહમાં મયુરપીચ્છના ગુચ્છ રાખે છે.

    કંઠસ્થ પરંપરાના ભજનોમાં સંતોએ જેમ મોરને સ્મરણમાં રાખ્યો તેમ લોક દુહામાં પણ અમરત્વ અપાવ્યું છે. એના બે-ચાર જ ઉદાહરણો જોઈએ.
‘અષાઢે ધમધોરિયા, ને વાદળ ગરજે મોર,
બપૈયા પિયુ પિયુ કરે, ને મધુરા બોલે મોર.’

    મેઘને અને મયુરને પ્રેમ છે, એમાં દૂરત્વ નડતરરૂપ નથી બનતું એનો દુહો આગળ ઉદાહૃત કરેલો અહીં તે ભાવને દૃઢ કરતો દુહો છે. અષાઢ માસમાં ઘનઘોર ઘટ મંડાઈ હોય અને વાદળાઓ ગર્જના કરતા હોય, બપૈયાઓ પિયુ-પિયુ પોકારતા હોય ત્યારે મોર પણ એની મીઠી-મધુરી વાણીથી કલશોર મચાવીને મેઘની વધામણી કરતા પોતાના હૃદયની પ્રસન્નતાને વ્યક્ત કરતો હોય છે.

    એક છક્કડિયા દુહામાં પણ આ જ ભાવને ઘૂંટાયેલો વ્યક્ત થતો અનુભવાય છે. ત્યાંનો મધુર એ મીઠો અહીં મધરા એટલે ઊંડાણના ભાગે એવો અર્થ દર્શાવતો પાઠ પણ ધ્યાનાર્હ છે :
‘અષાઢ વરસે એલીએ, ગાજે વીજ ઘમઘોર,
તેજી બાંધ્યા તરુવરે, ને મઘરા બોલે મોર.
મઘરા બોલે મોર રે મીઠા
ધણમૂલા સાજન સપનામાં દીઠા
કહે તમાચી સૂમરો, રીસાણી ઢેલને મનાવે મોર
અષાઢ વરસે એલીએ, ગાજે વીજ ઘમઘોર.’

    અષાઢનો ધોધમાર-એલી-પડતી હોય, વીજળી ઘમઘોર ઘટામાં ગાજતી હોય, હકીકતે તો વાદળા ગર્જતા હોય છે અને વીજળી ચમકતી હોય છે. અહીં અભિવ્યક્ત રૂપ લોકવાણીની બળકટતાનો પરિચય કરાવે છે. આવા સમયે ગામડાંના ઊંડાણના ભાગે ક્યાંક મોર મીઠી વાણી બોલે છે. એવી પરિસ્થિતિમાં સાજનને એની પ્રેયસી સ્વપ્નમાં માણે છે. રીસાયેલી ઢેલને આવા વાતાવરણમાં મોર મનાવે છે. અષાઢનું વર્ષાનું આલેખન અને એમાં મોરનું નિરૂપણ પ્રણય-મસ્તીની અભિવ્યક્તિ લોકગીતમાં ભારે મર્મપૂર્ણ રીતે નિરૂપણ પામેલ જોઈ શકાય છે.
(ક્રમશ:...)


0 comments


Leave comment