51 - અષાઢી ઠપકો / જગદીપ ઉપાધ્યાય


મેલીને વાદ બધા સાધશે તું ક્યારે કુદરતની સાથે સંવાદ ?
આપે છે ઠપકો અષાઢ કે વિચાર તને કેટલામો બેઠો વરસાદ !

તારા તે હોવાનો અર્થ અહીં થાય છે સોસાયટી બ્રાન્ડ એક ઠૂંઠું ;
વર્ષામાં કીધી તેં બારી તો બંધ, મૂક્યું વેન્ટિલેટરમાંયે પૂંઠું !
વરસાદી ઝાપટામાં ઓચિંતા અટવાતા થાય સમય તારો બરબાદ !

ક્યાંથી એ સમજે તું ! કેમ એક છાંટામાં ખોઈ બેસે ભાન સાન કોઈ ;
કારણ કે ચોમાસા કાઢ્યાં તેં ટી.વી. પર ફિલ્મોમાં વરસાદો જોઇ !
જીવી તો જો જીવન, મેઘધનુમાંથી રંગ એક વખત લઈને એકાદ !

'શબ્દગગન' દીપોત્સવી અંક : ઓક્ટોબર / નવેમ્બર – ૨૦૦૧


0 comments


Leave comment