52 - હું, તું ને આ ફૂલો / જગદીપ ઉપાધ્યાય


ફોરમ ડાળે વણતા જઈએ હું, તું ને આ ફૂલો.
ગીતો બે ગણગણતા જઈએ હું, તું ને આ ફૂલો.

રંગ વહેંચીએ સપનાના બદલે છો ઝખ્મ મળે,
ઉઝરડા અવગણતા જઈએ હું, તું ને આ ફૂલો.

કિરણોના સોના-રૂપાથી ઓછું પેટ ભરાશે?!
ચપટી ટૌકા ચણતા જઈએ હું, તું ને આ ફૂલો.

નાની અમથી ભાગે આવી જે કાંઈ લીલી વાડી,
મનથી મોટી ગણતા જઈએ હું, તું ને આ ફૂલો.

ગુલમહોરી યાદોને વાસંતી ઋતુઓમાં,
ફાંટ ભરીને લણતા જઈએ હું, તું ને આ ફૂલો.

'વિશ્રામ' : ડિસેમ્બર – ૧૯૯૯


0 comments


Leave comment