53 - દિવંગત હસનકાકાને સંબોધીને / જગદીપ ઉપાધ્યાય


જરાશી વાતમાં સગપણ વણસતાં રોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઊઠો.
દુઃખાયે સ્નેહની રગ તો દિલાસો કોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઊઠો.

હવે રમતાં ડરે છે છોકરા સૌ પીરવાડીની જગા પાસે પડામાં મોઈદાંડિયે,
જગામાં, વાળિયો લેતા પડેલી મોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઊઠો.

મળે ના શીખ, હિંદુ, ખ્રિસ્ત, મુસ્લિમ કે યહૂદી પણ મળે ઇન્સાન કેવળ જ્યાં ;
જગા એવી બને તો ક્યાંક જગમાં જોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઊઠો.

પરબ પાણી તણું માંડી, તરુઓ પાદરે વાવી, કબૂતરને સદા ચણ ચોતરે નાખી;
નિરાળી બંદગીમાં જાત પાછી ખોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઊઠો.

નથી ક્યાં માણસો આજેય તે ફૂલો સમા ! કિન્તુ પવન કોમી સતત એને પ્રદૂષે છે,
ઝરમરી ઝાકળી ભાવે રજોટી ધોઈ દેવાને હસનકાકા ! કબરમાંથી ઘડી ઊઠો.

'નવનીત - સમર્પણ' : ઓક્ટોબર – ૨૦૦૨


0 comments


Leave comment