54 - અભ્યાર્થના / જગદીપ ઉપાધ્યાય


પથરાળ, કાંટાળી વિકટ છોને સફર આપો,
જગથી અલગને આગવી કિન્તુ ડગર આપો.

ફૂલો બનીને બાગમાં ઝરતાં વળી ત્હમને,
ગન્ધે પ્રસરતાં ઓળખી શકવા નજર આપો.

આકાશ સંગે કીર કાબર સાંભળી ગાતાં,
ભરપૂર લોહીમાં ટહુકાની અસર આપો.

માને મ્હને જે મેઘ એવાં હોય જન થોડાં,
વરસી જવા જ્યાં મન કરે એ’વું નગર આપો.

જોતાં નથી ભીંતો, ઝરૂખા, ગોખ, દરવાજા;
હે ભાગ્ય ઘડનારા ! મ્હને બસ એક ઘર આપો.

માગ્યું નથી ક્યારેય તો પણ આજ માંગુ છું,
જે માગવું હો તે મ્હને માગ્યા વગર આપો.

'કવિલોક' : જુલાઇ - ઓગષ્ટ – ૧૯૯૬


0 comments


Leave comment