55 - વૈશાખી મધ્યાહને / જગદીપ ઉપાધ્યાય


વાડીઓ વચ્ચે આંબલી, આંબા, પીપળા કેરા ઝુંડમાં કોયલ ગળચટ્ટો દે ટહુકો વેરી..
પાંદ પાંદડે લયની વાચા જાય ફૂટતી એમ રેલાતી જાય ઘટામાં વાંસળી ઘેરી..

ગળતી લ્હેરે સ્હેજ ઘેરાતાં પોપચે ટાઢક જવતી જાતી ભંભલી માફક ઝાડની હેઠે,
લળુંબ- ઝળુંબ ઝીલી ઝાડીના પડછાયાઓ થંભી જાતાં વોકળાંના જળ ઝાંઝવા પેઠે,
આમ આડબીડ પથરાયેલા બીડમાં દૂરે કાંઈ રેલાતા તાપમાં એકલ તબકે દેરી...

આભ સંકેલી, પાંખ ખંખેરી, ચાંચ ઝબોળી, ઠીબમાં પંખી સરકી જાતાં નીડમાં સંપી;
ફળિયાનું એકાંત ભરીને શ્વાસમાં જાતું લોક સળુકું એય નિરાંતે ખીણમાં જંપી,
પથરાતો સૂનકાર, સૂરીલો ક્યાંક આઘેથી ઊતરી આવી ગામમાં પવન નાખતો ફેરી...

'કવિલોક' : સપ્ટેમ્બર - ઓક્ટોબર – ૨૦૦૨


0 comments


Leave comment