56 - વસંત વિરહા / જગદીપ ઉપાધ્યાય


રીસ ચઢતી - ઊતરતી વગર કારણે ,
દર્દ કોળ્યાં વસંતી ફરી આંગણે,
ડર હતો તે થયું આખરે ફાગણે...

રંગ રાતા ગુલાલી ઉડાડી,
ગયો કેસૂડો સાવ ફાટી ધુમાડે,
ફૂલકન્યા સહુ ગાય ગીતો નવાં,
પી ટહુકા ઝૂમે ઘેનમાં ઝાડવાં,
ગોઠ માગે અનાડી પવન બારણે...

પંખીને ફૂટ્યું પીંછું સુંવાળું,
જગત આખું લાગ્યું હૂંકાળું હૂંકાળું,
કોઈ સસલું વને ક્યાંક સળવળ થયું,
લાખ વાર્યું છતાં ચિત્ત વિહવળ થયું,
નીકળ્યાં ફૂલની પોઠ લઈને રણે...

કૈંક રાતો સળગવાના કિસ્સા,
ભળ્યા એમાં નીંદર અદેખીના હિસ્સા,
હોળી આવી અભાગી; ન આવ્યો સજન,
રંગ નહિ અશ્રુથી ભીંજતું'તું ગવન,
થાક જીવન તણો ઊતર્યો પાંપણે...

'અખંડ આનંદ' : જુલાઇ – ૨૦૦૩


0 comments


Leave comment