58 - ગઝલ - ભીતર થકી / જગદીપ ઉપાધ્યાય


ભીતર થકી થયો જળમય જ્યારથી વધારે,
આ તાણ પણ રહે છે બસ ત્યારથી વધારે.

છો રક્ત નીંગળે ના પણ ઘાવ થાય કારી,
કે હોય મૌન બળકટ તલવારથી વધારે.

ટુંપાતી ચાંદની પણ ઝળહળતી રોશનીમાં,
છે કારમાં ઉજાસો અંધકારથી વધારે.

હો જેમની પ્રતીક્ષા વર્ષો પછી મળે ને,
ના કૈં બને ક્ષણોના વ્યાપારથી વધારે.

પીડા વધે અને પડછાયોય ફેરવે મોં,
લાચાર એ પળે સૌ લાચારથી વધારે.

'શબ્દગગન' દીપોત્સવી અંક : ઓક્ટો. - નવે. – ૨૦૦૨


0 comments


Leave comment