59 - પ્રણયની અધૂરી વાર્તા / જગદીપ ઉપાધ્યાય


આંખ વિના આંસુડા સારતા રે કાંઈ સારતા રે પરદેશી જીવણ.
આદરી અધૂરી અમે વારતા રે કાંઈ વારતા રે પરદેશી જીવણ.

નીકળ્યાં એ રણ રૂંવા બાળતા રે કાંઈ બાળતા રે પરદેશી જીવણ,
હતા જેને ચોમાસું ધારતા રે કાંઈ ધારતા રે પરદેશી જીવણ.

મારગ અણજાણ્યા એય આકરા રે કાંઈ આકરા રે પરદેશી જીવણ.
જાય લંબાતી પીડાની જાતરા રે કાંઈ જાતરા રે પરદેશી જીવણ.

સ્મરણ સૂડાના રૂપે આવતા રે કાંઈ આવતા રે પરદેશી જીવણ.
ચાંચ ખચ્ચ દઇ છાતીમાં મારતા રે કાંઈ મારતા રે પરદેશી જીવણ.

પડે કારણ વિનાના ધ્રાસકા રે કાંઈ ધ્રાસકા રે પરદેશી જીવણ.
જીવ મારે છે નોંધારા બાચકા રે કાંઈ બાચકા રે પરદેશી જીવણ.

રોજ સૂરજ મરે મારી જાતમાં રે કાંઈ જાતમાં રે પરદેશી જીવણ.
ફેરવાઉં તિમિરની નાતમાં રે કાંઈ નાતમાં રે પરદેશી જીવણ.

નવનીત સમર્પણ : ઓક્ટોબર – ૨૦૦૪


0 comments


Leave comment