60 - આફ્ટર શોક્સમાં નિર્ભય બનાવતી રચના / જગદીપ ઉપાધ્યાય


અંધારાં કદી ઝળહળ સૂર્યને નડવાનાં નથી ચિંતા ના કરો નાહક કે પ્રલય ધરતીનો થશે એ સંભવ નથી.
તારાઓ પવન કેરી ફૂંકથી ઠરવાનાં નથી ચિંતા ના કરો નાહક કે પ્રલય ધરતીનો થશે એ સંભવ નથી.

કૂવાઓ થાશે કોઈક નિર્જળા, સુકાશે નદી ખળખળ ક્યાંક કે વિસ્તરશે બહુ તો ધરતી તણા ખૂણે કો'ક રણ;
પણ નયનો તણા જળ ક્યારેય તે ઘટવાનાં નથી ચિંતા ના કરો નાહક કે પ્રલય ધરતીનો થશે એ સંભવ નથી.

કાંટાઓ સતત હોઠો ભીંસશે, ડંખો મારશે, અફવા પાનખરની ફેલાવશે કે કર્ણો પવનના ભંભેરશે;
તોયે ફોરવાનું ફૂલો, કદી તજવાનાં નથી ચિંતા ના કરો નાહક કે પ્રલય ધરતીનો થશે એ સંભવ નથી.

નેતા પામતા મૃત્યુ પાળશે નગરો બંધ, બે પળ રાખશે લોકો મૌન કે ટ્રાન્ઝિસ્ટર અશ્રુઓ રેલાવશે;
એથી કાંઈ પંખીઓ વન મહીં રડવાનાં નથી ચિંતા ના કરો નાહક કે પ્રલય ધરતીનો થશે એ સંભવ નથી.

શું થાકી ગયા બ્રહ્મા પૂરતા રંગો સૃષ્ટિમાં, પંખીને નહીં નાખે ચણ હરિ કે ખૂટી ગયાં શમણાં હર કને;
ગોતો પણ પ્રલય કેરાં કારણો જડવાનાં નથી ચિંતા ના કરો નાહક કે પ્રલય ધરતીનો થશે એ સંભવ નથી.

કવિતા ( ૨૦૩ ) : જુન - જુલાઇ - ૨૦૦૧


0 comments


Leave comment