3 - સંતર્પક રંગલીલા / શબ્દધનુ / હેમંત દેસાઈ


    ‘કાવ્ય’ નામની વસ તરીકે જેને ઓળખીએ છીએ એ બહુ તરલ ચંચલ પદાર્થ છે. ભલભલાના હાથમાં આવે ન આવે ત્યાં છટકી જવાનો એનો સ્વભાવ છે તેની સંપ્રાપ્તિ સહેલી નથી, મુશ્કેલ છે અને તે વળી સાધના-ઉપાસનાથી અધિક ભાગ્યવશાત્ થતી હોય છે. એટલે કે એ ખેલ કે લીલામાં કલાપીના શબ્દોમાં કહીએ તો ‘દા દેવો, હરિ હાથ છે !’ એથી જ એની ઉપલબ્ધિ સર્જક માટે તો ખરી જ, ભાવક માટેય આનંદપ્રદ બની રહે છે. એ વિરલ પદાર્થને પામવા-પમાડવા પુરુષાર્થ કરનારા-શબ્દો અને લય સાથે કામ પાડનારા આપણાં નવા સર્જકોમાં ભાઈ જગદીપ ઉપાધ્યાયનું નામ છેલ્લાં કેટલાંય વર્ષોથી શોભી રહ્યું છે, એવું કે કાવ્ય રસિકને હોઠે તરત આવી ચઢે.

    આપણી કવિતામાં પુષ્કળ પ્રમાણમાં ખેડાતાં અને હવે તો રૂઢ થઈ ચૂકેલાં બે કાવ્ય સ્વરૂપો ગીત અને ગઝલ, બધાં કવિઓની જેમ આ કવિનેય પ્રિય છે અને એમનું મોટા ભાગનું સર્જન એમાં જ થયું છે. ચોક્સાઈથી જોઈએ તો પસંદ કરેલી માત્ર સાઠ કાવ્ય કૃતિઓના આ સંગ્રહમાં વીસ ગીતો અને એકત્રીસ જેટલી ગઝલો કે ગઝલકલ્પ કૃતિઓ છે. એમાં સમ ખાવા પૂરતું એક સોનેટ, પાંચ મુક્તકો અને ત્રણ અછાંદસ રચનાઓ છે. જેને લીધે થોડુક સ્વરૂપ વૈવિધ્ય જળવાય છે. તો પણ મુખ્ય અને ધ્યાન પાત્ર તો છે ગીત અને ગઝલ. આ બેય સ્વરૂપોમાં શબ્દપ્રયોજના પરત્વે તેમ લયનિર્મિતિ પરત્વે અનુભવાતી સભરતા અને વિવિધતા જગદીપના કવિ કર્મની એક લાક્ષણિકતા બની રહે છે. આમ ઊંડેથી જોઈએ તો લયનો નિર્માતા પણ શબ્દ છે. શબ્દના અવાજના રૂપ, માત્રા અને વજન દ્વારા લય સર્જાય છે. અલબત્ત, તેમાં શબ્દના અર્થનુંય પ્રદાન છે. આમ અર્થપ્રતિપાદક શબ્દનો મહત્ મહિમા છે. એટલે કવિના શબ્દ પ્રત્યે તેની કૃતકૃત્યતા પ્રત્યે આપણું ધ્યાન વિશેષ રૂપે જાય તે સ્વાભાવિક છે.
આંસુ પ્રેમ પદારથ પાવન,
ઝળહળતી ભીતરતા આંસુ.
* * *
ઈશ્વર કેરો કાગળ જગને
પાઠવવા અવતરતાં આંસુ.
* * *
જન્મ, મરણ, જશ, અપજશ, હાનિ;
ઢાળ મળે ત્યાં ઢળતાં આંસુ.

    ‘અશ્રોપનિષદ’ની આ પંક્તિઓમાં શબ્દના અવાજની અને અર્થની એવી કૃતાર્થતા ભાવકને પ્રભાવિત કરે છે. અહીં શબ્દો ચાર માત્રામાં ‘દાદા’ બીજની ચાર આવૃત્તિથી નિષ્પન્ન થતા લયના તો કારક છે જ, એ લયના માધુર્યનાય સર્જક છે અને તે સાથે એ શબ્દો બધા જ રમણીય અર્થસમાંર્પક છે. એ રમણીયતા પામી શકાય એવી છે કેમ કે એ સદ્યોસ્પર્શી છે તોય છેલ્લી બે પંક્તિઓ અંગે થોડો નિર્દેશ કરું. કોઈ કશુંક નિમિત્ત મળતા જ આંસુ માણસની આંખમાંથી ટપકી પડે છે. તે નિમિત્તો પૈકી કેટલાંક કવિએ દર્શાવ્યા છે. તે દર્શાવતાં પરસ્પર વિરોધી શબ્દજોડકાં સૂચવે છે કે આંસુ સુખના તેમ દુઃખનાય હોય. અશ્રુપાત માટે ‘ઢાળ’ અને ‘ઢળતાં’ જેવા શબ્દોનું પ્રયોજન ચમત્કારિક છે અને તેનું ખરું બળ રહેલું છે કવિ પ્રતિભામાં. કેવળ સ્વકીય પ્રતિભાના બળે જ નહીં, પ્રયત્નસાધ્ય કલા-કસબના પ્રતાપે પણ કવિએ કરેલા શબ્દધનુની પ્રત્યંચાના ટંકારથી નીપજતી આવી રંગલીલા સર્વત્ર નહીં તો ય અનેકાનેક સ્થળે સંતર્પક નીવડે છે અને તેથી આ સંગ્રહનું નામ ‘શબ્દધનુ’ સાર્થક થાય છે. એ રંગલીલા દાખવતી થોડીક પંક્તિઓ, કોઈપણ વિવરણ-વિવેચન વિના નોંધીશ.
અધમધરાતે જંપી પોઠો દુનિયાના સંતાપોની,
લોહી વચ્ચે જંતર ઝીણું છેડે છે વણઝારો સાંઈ.
(‘ફૂલ ચીતરવા આવે’)
* * *
ચામડીથી રક્તને અળગું કરી કોઈ રમાડે,
ઊઠતો ઝબકી સફાળો, પાપણોમાં ડર અજાયબ
(ઊંઘનું જગત’)
* * *
હડફેટમાં માણસપણું લૈ દોડવાનું ટ્રેન માફક ચીસતા,
ખિસ્સું ભરીને રોજ તાજાં વ્રણ મળે, ના હું મળું ના તું મળે.
(‘નખ પરનાં સગપણ’)
* * *
કંપનીમાં સાતમી વેળા ચૂંટાયો હું ડિરેક્ટર કે લૂટારો થઇ ગયો પાકો,
લૂંટનારો બ્રેડ ને બિસ્કિટ અવરના જેન્ટલી લિબાસમાં જીવી રહ્યો છું હું.
(‘માણસાયણ’)
* * *
ઓગળતા તડકાની ઢળતી આ વેળાએ માંડું છું જીવતરનાં મૂલ,
આખાયે દરિયાને ભાતીગળ પાંચ-સાત આંસુમાં કીધો છે ડૂલ.
(‘પ્રૌઢનું ગીત’)
* * *
હકડેઠઠ ચોમાસું લૈને કમખામાં કૈં
કપોતિયો ફફડાટ ભરીને પડખામાં
કુંવારું હૈયું પરણેતરનું પાન વિહોણી ડાળી જેવું ઝૂરે....
(‘જીવણાખ્યાન’)
* * *
અડતામાં ઊંહકારો થાય એવા
લોહી તણા જખમોને ઊંઘમાં રુઝાવજો.
(‘શયન વેળાની પ્રાર્થના’)
* * *
કિરણોના સોના-રૂપાથી ઓછું પેટ ભરાશે ?!
ચપટી ટૌકા ચણતાં જઈએ હું, તું ને આ ફૂલો.
(‘હું, તું ને આ ફૂલો’)

    ગઝલ અને ગીત – એ બેય સ્વરૂપોમાં કવિની કલમ આસાનીથી વિહરે છે. પરંતુ એ બે વચ્ચે જો તારતમ્ય કરવાનું હોય તો જગદીપની ગઝલ કરતાં એનું ગીત વધુ સારું લાગે છે. એ બંનેની સરખામણી કરીએ તો ગીતો કરતાં ગઝલોની સંખ્યા વધુ છે. તો પણ ગીતો લગભગ બધાં મધુરસુંદર થયાં છે. જ્યારે ગઝલો થોડીક જ સફળસુંદર થઈ છે. એ માટે કવિની શક્તિની અધિકતા કે ઓછપ કરતાંય વધુ એ બેય સ્વરૂપોની વિશેષતા-લાક્ષણિકતા જવાબદાર ગણાય. ગીતને ગીત બનવામાં કાંઈ ખાસ મુશ્કેલી નડતી નથી જેટલી ગઝલને ગઝલ બનાવામાં પડતી હોય છે. કારણ ગઝલ શિસ્તનાં જેટલાં આગ્રહ – અપેક્ષા રાખે છે તેટલાં ગીત રાખતું નથી. પ્રાસનું હોવું બંનેમાં અનિવાર્ય છે પરંતુ ગઝલમાં પ્રાસ ઉપરાંત બીજું ઘણું બધું હોવું આવશ્યક છે. આ પૂરતી જાણીતી હકીકત ધ્યાનમાં રાખીને જોતાં જણાય છે કે કવિની ગઝલ કહી શકાય તેવી એકત્રીસ કૃતિઓમાંથી ખરેખર ગઝલ તો બહુ ઓછી કૃતિઓ બની છે. એ બની આવેલી કૃતિઓ તે ગઝલના છંદને એટલે મૂળ અરબી-ફારસી બહરને અપનાવતી કૃતિઓ. એ સિવાયની કૃતિઓમાં આપણા માત્રામેળ છંદો અને / અથવા આપણા ગીતોના પ્રલંબ લયઢાળ પ્રયોજાયા છે. અલબત્ત, એમાં કાફિયા-રદીફ આવે છે તેમ કાવ્યસિદ્ધિમાંય તે ઊણી ઊતરતી નથી પરંતુ ભાષાકર્મ અને રચનારીતિની દૃષ્ટિએ જોતાં તેણે ગઝલ નહીં ગઝલકલ્પ કૃતિ કહેવી પડે. આની સ્પષ્ટતા માટે ઉદાહરણો જોવા હોય તો સંગ્રહની પહેલી કૃતિને ગઝલ અને છેલ્લી કૃતિને ગઝલબંધમાં રચાયેલી કાવ્યકૃતિ અથવા ગઝલકલ્પ કૃતિ કહીશું. આટલી ચર્ચા પછી પણ સંગ્રહમાં સમાવિષ્ટ ક્રમાંક ૧૦ થી ૧૩, ૧૯ થી ૨૧ તેમજ ૩૦, ૩૬, ૪૧, ૪૬, ૫૦, ૫૪ અને ૫૮ ની કૃતિઓ સારી ગઝલો છે તે નોંધ્યા વિના ચાલે તેમ નથી અને વળી ગઝલમાં પ્રકટતી કવિની સર્જકતાનો પર્યાપ્ત પરિચય આપે એવા થોડાંક શે’ર સંભાર્યા વિનાય ચાલે તેમ નથી.
ન માટીના, ન અગ્નિના, ન વાયુ, વ્યોમ કે જળના,
મનુષ્યો લાગતા આજે ફક્ત પર્યાય ઝાકળના.
(‘અંતિમ નિદ્રાની પળો’)
* * *
સૂરજની પણ થઈ ગૈ આંખ ભીની
ફૂલોએ પાથર્યા પટકૂળ જ્યારે.
(‘જ્યારે’)
* * *
મુક્તિ હો મૃત્યુ પછી એ વાત જાણે એમ થઈ,
કે ડૂબી જાઓ પછી તરવા કોઈ તરણું મળે !
(‘તરણું મળે’)
* * *
માગ્યું નથી ક્યારેય તો પણ આજ માગું છું,
જે માગવું હો તે મ્હને માગ્યા વગર આપો.
(‘અભ્યર્થના’)

    કવિની સર્જકતા એના ગીતોમાં વધુ અને વધુ સબળ રીતે મ્હોરી છે. ગીતોમાં રચના બંધની, લય-ઢાળની તથા શબ્દ યોજનાની વિવિધતા અને સમૃદ્ધિ છે, અનુભૂતિની વિરલતા છે અને આલેખનની સફળતા છે. ગીતોના શીર્ષકો પણ એકદમ ધ્યાન ખેંચે એવાં છે. અહીં ‘અમરેલીની યાદ’, ‘શયનવેળાની પ્રાથના’ અને ‘અષાઢી ઠપકો’ જેવા ટૂંકા શીર્ષકો છે તો ‘પાનખરની એક ડાળનું ગીત’, ‘ગ્રામીણ મહિલાઓનું કથાગીત’ અને ‘રોઈ ન શકેલી ગોપીનું ગીત’ જેવા લાંબા શીર્ષકો છે. પરંતુ ‘પરદેશી પ્રિયતમને જતો જોઈ રહેલી પ્રિયતમાનું ગીત’ અને ‘સખીવૃંદમાંથી કૃષ્ણને નીરખતી રાધાનું ગીત’ જેવા શીર્ષકો પ્રલંબ છે તેમ નવીન પણ છે. આ શીર્ષકો ઉપરથી જ કવિના ગીતનો વિશેષ કળાય છે. એમાં ઉપાડ તો દરેકના આકર્ષક છે જ, કેટલાંક આખેઆખાં મજાનાં – પૂરું સંવિધાન પામેલાં છે. ગઝલના શે’ર જેટલી છૂટથી અવતારી શકીએ તેટલી મોકળાશ ગીતની પંક્તિઓના અવતરણ આપવામાં નથી એટલે કવિના ગીતો આખેઆખાં માણવા ઠીક રહેશે. એટલું કહીને અટકી જવું પડે તો પણ નોંધવું જોઈએ કે સંગ્રહના ક્રમાંક ૫, ૧૪, ૨૨, ૨૬, ૩૧, ૩૨, ૩૭, ૩૮ એ ગીતો સળંગસુંદર છે. અહીં જ કવિના ગીતની કેટલીક મનોહર પંક્તિઓ ચીંધવાના પ્રલોભનને વશ થવું ગમશે.
લીલી કરવતથી જીવડો વહેરાતો કટકે કટકે
રે ગિરિધારીલાલ,
યાદોના ચેતાવી રંગો સંધ્યા બળતી ભડકે
રે ગિરિધારીલાલ
(‘રોઈ ન શકેલી ગોપીનું ગીત’)
* * *
યાદોનું ઓગળતું ધુમ્મસ તુષારભરી
ઝાડીમાં પથરાતું દૂર... દૂર... દૂર...
ગિરિવનમાં સંગાથે ગાયેલું ગીત રોજ
શિખરોમાં પડઘાતું દૂર... દૂર... દૂર...
(‘પ્રતિક્ષા’)
* * *
મેલીને વાદ બધા સાધશે તું ક્યારે કુદરતની સાથે સંવાદ ?
આપે છે ઠપકો અષાઢ કે વિચાર તને કેટલામો બેઠો વરસાદ ?
(‘અષાઢી ઠપકો’)
* * *
આભ સંકેલી, પાંખ ખંખેરી, ચાંચ ઝબોળી,
ઠીબમાં પંખી સરકી જાતાં નીડમાં સંપી,
ફળિયાંનું એકાંત ભરીને શ્વાસમાં જાતું
લોક સળુંકું એય નિરાંતે ખીણમાં જંપી,
પથરાતો સૂનકાર, સૂરીલો ક્યાંક આઘેથી
ઊતરી આવી ગામમાં પવન નાખતો ફેરી...
(‘વૈશાખી મધ્યાહને’)

    ગીત-ગઝલ ઉપરાંત કવિની કૃતિઓમાં કવિએ સાંપ્રત જીવનના વાસ્તવનું દર્શન કર્યું-કરાવ્યંન છે. જેમાં ‘કાંટા’ નામક અછાંદસ કૃતિ અને ‘આઝાદી-૫૦ નામક મુક્તકમાં કવિના અન્યત્ર પણ પ્રગટેલ નર્મ મર્મયુક્ત કટાક્ષ જોવા મળે છે. છેલ્લે, આખી વાત અંકે કરીને કહું તો આ લઘુ સંગ્રહમાં વિસ્તરેલી જગદીપ ઉપાધ્યાયની કવિતા આસ્વાદ્ય છે, સંતર્પક છે અને આપણા કાવ્યરસિક માટે મનભાવન બની રહે તેવી છે.

હેમંત દેસાઈ
‘તિતિક્ષા’
૯-મિહિર એપાર્ટમેન્ટ, નવરંગપુરા
અમદાવાદ – ૯


0 comments


Leave comment