4 - આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ / શબ્દધનુ / કરસનદાસ લુહાર


    કોઈ ઉર્દૂ શાયરે કહેલું, ‘ખૂબસૂરત જિસ્મ એ ખુદારે રચેલી બેમિસાલ નઝમ છે.” આ વિધાન અત્યારે સહેતુક યાદ આવે છે. જગદીપ ઉપાધ્યાયનો પરિચય આપવાનો હોય તો તેમનાં આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ એ ત્રણેય પાસાંને નજર-અંદાઝ ન જ કરી શકાય. સપ્રમાણ શારીરિક બાંધો, બહુ લંબાઈમાં ન ખપે કે નીચાઈમાં ન ખૂંપે તેવી મધ્યમ ઊંચાઈ, ગૌરવર્ણ, સસ્મિત ચહેરામાં વિસ્મયથી છલકાતી આંખો, સૌમ્ય અને સાંભળવો ગમે તેવો અવાજ. જોનાર પહેલી નજરે જ અનુમાન કરે કે આ માણસ નખશિખ સજ્જન હશે જ અને એ દૃષ્ટા પરખંદો હોય તો એનું બીજું અનુમાન આવું પણ હોય : “અને આ વ્યક્તિ કવિ ન હોય તો જ નવાઈ !” આમ જગદીપ ઉપાધ્યાયની દૈહિક આકૃતિ, એક ઉત્તમ માણસ અને કવિ હોવાની આપણને પ્રતીતિ કરાવે છે. ઈશ્વર એની પૂર્ણ પ્રસન્ન ક્ષણોમાં ઉત્તમ માણસ/કવિનું સર્જન કરતો હશે !

    જગદીપભાઈની આકૃતિ પછી એમની પ્રકૃતિની નોંધ લેવી પડે. એમની પાસે મધુર અવાજ હોવા છતાં તેઓ બહુ ઓછું બોલે. ટૂંકા વાક્યોમાં ધીમેથી વાટ કરે. એમનો ‘હું’ ક્યાંય, ક્યારેય આપણાથી અથડાય નહિ એવો. ક્યારેક તો એવું લાગે કે, તેઓ આપણી સામે બેઠા હોય, છતાં જાણે આપણી સામે કોઈ નથી. આપણે એકલા છીએ. મહાવીર સ્વામીએ કહ્યું છે : “પોતાના અસ્તિત્વની પ્રતીતિ અન્યને કરાવવી એ પણ એક પ્રકારની હિંસા જ છે.” આવું નિર્મળ, નિરાભિમાની, સરળ અને ઋજુ વ્યક્તિત્વ ધરાવનારને વૃક્ષ પરથી નીચે પડતું સૂકું પાંદ પણ આઘાત આપી જાય. કદાચ કોઈ અંગ્રેજી કાવ્યનો આ અંશ છે :
તમે જ્યારે અહીં ધરતી પર
ઘાસનું એક પાંદ તોડો છો
ત્યારે
પણે આકાશમાં એક તારો ધ્રૂજી ઊઠે છે !
    ઠેસ વાગે કોઈને, પીડા અનુભવે કોઈ; ભાઈ જગદીપ આવી વ્યક્તિઓ માંહેનાં છે. આકૃતિ સાથે પ્રકૃતિનો સુમેળ ધરાવનાર જણ શિક્ષક હોય તો એનું શિક્ષકત્વ સોળે કળાએ ખીલી ઊઠે છે. જગદીપભાઈ નિષ્ઠાવાન, સફળ શિક્ષક છે. સાવરકુંડલાની પ્રતિષ્ઠિત બનજારા માધ્યમિક શાળાનાં કુશળ આચાર્ય તરીકે ઘણાં વર્ષો રહ્યા. એમની શાળા એમનાં વ્યક્તિત્વ જેવી જ. ઉત્તમ શિક્ષણકાર્ય સાથે અનેકવિધ પ્રવૃત્તિઓથી ધબકતી આ શાળામાં વરસે એકાદ કવિ સંમેલન તો હોય જ. પરિણામે વિદ્યાર્થીઓ કવિતાની કેળવણી પામ્યા છે. સભાખંડના પ્રવેશદ્વારે બોર્ડમાં દરરોજ એકાદ કવિતા હોય જ, વિદ્યાર્થીઓએ લખેલી, પસંદ કરેલી. હાલ તેઓ વાંકાનેરની શૈક્ષણિક સંસ્થા શ્રી અમરસિંહજી વિદ્યાલયમાં એજ પદે શિક્ષણ સંવર્ધનમાં રત છે.

    આકૃતિ, પ્રકૃતિ સાથે એમનું ત્રીજું પાસું છે. એમનું એક કવિ હોવું ધન્ય ઘટના છે. “માણસ તરીકે જે પૂરેપૂરો ઊઘડે છે, તે જ કવિ તરીકે સાચો નીવડે છે.” એ વિધાનને એમણે ચરિતાર્થ કર્યું છે.

    કવિતામાં નોખા અવાજ સાથે એમણે પરંપરાથી સંબંધ પણ જાળવી રાખ્યો છે. એમનાં ગીત, ગઝલ, અછાંદસ, સોનેટ વગેરે કાવ્યો ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠ સામયિકો- ‘કવિલોક’, ‘અખંડ-આનંદ’, ‘કવિતા’, ‘નવનીત-સમર્પણ’, ‘શબ્દગગન’, ‘વિશ્રામ’, ‘ધબક’માં સતત પ્રગટ થતાં રહે છે.

    વેદના અને વિસ્મય જગદીપભાઈની કવિતાના શ્વાસોશ્વાસ છે. “કેટલાં પીછાં ખરે ત્યારે ટહુકો થાય છે !’ જેવી પંક્તિઓ એમની સર્જન-પ્રક્રિયા વિષે જ કહે છે.

    ‘ક્યાં ગયા?’ ‘તમને ખબર છે?’ ‘પ્રશ્ન ક્યાં હતો?’ જેવા પ્રશ્નો આ કવિની વેદનાના પરમાશ્ચર્યપૂર્ણ ઉદગાર છે.
‘ન કંટક, તાપ કોઈ ના, અહીં સઘળ મુલાયમતા,
અમરફળથી લચેલાં જોઉં લીલાં વૃક્ષ બાવળનાં.’
(‘અંતિમ નિદ્રાની પળો’)
    કમભાગી કલ્પદ્રુમોશાં બાવળનાં વૃક્ષોમાંથી બાવળપણું બાદ કરીને કવિની વિસ્મયસભર આંખ જુએ છે લચેલાં અમરફળ ... ! એમનાં કેટલાંક શે’ર માણીએ –
* * *
‘વૃક્ષ લીલું, હીંચકો ને બાળપણ તે ક્યાં ગયાં ? હમણા અહીંયાં તો હતાં !
ધૂળવંતા રાજવી ને રાજવણ તે ક્યાં ગયાં ? હમણાં અહીંયાં તો હતાં !’
(‘સાંભરણ તે ક્યાં ગયા’)
* * *
‘સાવ સુક્કો છે સમય તેથી નહીં શું ખીલવાનું આપણે પણ ?
એક અમથું ફૂલ પણ વસંતનો પર્યાય છે; તમને ખબર છે ?’
(‘હસ્તાક્ષર : ગઝલ’)
* * *
‘ને પ્રશ્ન તો એથી થયો ગોખ્યા સ્વરો આ સામવેદના;
થોડા ટહુકાઓ શીખાય હોત તો તો પ્રશ્ન ક્યાં હતો ?’
(‘ગઝલ : પ્રશ્ન ક્યાં હતો ?’)
* * *
‘થતું હરેક ગામ છિન્ન, રાષ્ટ્ર પણ થતું પ્રછિન્ન, ખિન્ન તે છતાં અહીં થતું ન કોઈનુંય મન ?
અલિપ્ત નિજ જાતને, પ્રમત્ત સૂત્રધારને, પ્રસુપ્ત જન વિશાલને કદીક કોઈ પ્રશ્ન કર.’
(‘ગઝલ : સમુદ્રની બની....’)
* * *
અને કેટલીક ગીત પંક્તિઓ –
‘રંગ રાત ગુલાબી ઉડાડે,
ગયો કેસૂડો સાવ ફાટી ધુમાડે,
ફૂલ-કન્યા સહુ ગાય ગીતો નવાં,
પી ટહુકા ઝૂમે ઘેનમાં ઝાડવાં....’
(‘વસંત વિરહા’)
* * *
‘આ શ્વાસો છે કે ચબૂતરા ?
સાગમટે ઘૂઘવે કબૂતરાં !’
(‘સખીવૃંદમાંથી કૃષ્ણને નીરખતી રાધાનું ગીત’)
* * *
‘એકસરીખા પડછાયા, ના તડકામાં જુદાઈ રે,
ઓહો મારી બારી રે !’
(‘ગ્રામીણ મહિલાઓનું કથાગીત’)
* * *
‘ક્યાંથી એ સમજે તું ! કેમ એક છાંટામાં ખોઈ બેસે ભાનસાન કોઈ;
કારણ કે, ચોમાસાં કાઢ્યાં તેં ટી.વી. પર ફિલ્મોમાં વરસાદો જોઈ !’
(‘અષાઢી ઠપકો’)
* * *
    આ પૂરું કરતા હુંય હવે રાહ જોઈ રહ્યો છું લાકડાં વીણવા ગયેલા ગાંધીજીની !

‘આઝાદીની આગ હોલવાઈ ગઈ છે
બધા રાહ જોઈ બેઠા છે –
તાપણા ફરતે ઠૂઠવાઈને....
ગાંધીજી લાકડાં વીણવા ગયા છે !’
(‘આઝાદી – ૫૦’)

કરસનદાસ લુહાર,
૩૯, કલ્પદ્રુમ, શ્રીજીનગર,
મહુવા. જિ.ભાવનગર – ૩૬૪૨૯૦


0 comments


Leave comment