4.8 - બલમાં બલ તો એક – / સુંદરજી બેટાઈ


દેવો હશે તોય વસ્યા દ્યુલોકમાં !
ભૂલોકનાં એમને શાં જ ભામણાં ?
શું આપણે નિત્યનાં તુચ્છ વામણાં ?
રાખો રખે બન્ધનમુક્તિમાં મણા !

એ અન્નકૂટો, પશુરક્ત એ બલિ,
રચી-ધરી દેવને ન્હોય તૂઠવા !
રે કર્મકૂટો ખડક્યા જ આપણે
ભલા જ તે આપબલે મિટાવવા !

રે આપણા ઝેરતણા કટોરા
હાથે ભર્યા આપણે હાથ ફોડવા;
ને આપણાં બન્ધન આપણાં-રચ્યાં
અવશ્ય તે આપબલે જ તોડવાં !

બલમાં બલ તો એક પંડના અપ્રમાદનું:
પ્રમાદનું ફલ કહ્યું સદા પંડવિનાશનું.

૦૬-૧૧-૧૯૭૩


0 comments


Leave comment