4.9 - રહો જાગી ભવ્યવિભાવના ! / સુંદરજી બેટાઈ


દ્યુલોકનો-દેવનો છો અજાણ હું !
ભૂલોકનો ભૂચર અલ્પ-પ્રાણ શું ?
હો વા ન વા દેવ કે દેવલોક
તેની કરું જિકર ના, અથવા ન શોક.

સ્તોત્રો રટી ના રસના વલોવવી;
पत्रं पुष्पं વા फलं વારિ વા હવિ
ધરી, કરી પૂજન-અર્ચનો, નથી –
માયા... દયા કોઈની યાચવી કદી.

હો સાબદા સર્વદા પંચપ્રાણ !
મારું મનોનયન નિત્ય રહો સભાન !
સર્વાત્મથી સર્વનું હો પ્રવર્તન !
સમુજ્જ્વળું નિત્ય હજો સુદર્શન !

અલ્પ છો સાધન રહ્યાં ! કિન્તુ અલ્પ ન સાધના !
અલ્પ-સ્વલ્પ વિશે જાગી રહો ભવ્યવિભાવના !

૦૬-૧૧-૧૯૭૪


0 comments


Leave comment