4.11 - પડો ઘંટ ! પડો ઘંટ ! / સુંદરજી બેટાઈ


વાંચ-લખ-લખાવના અનન્ત ખેલ આંખબંધ !
ઘૂંટગોખ, ગોખઘૂંટ કરી મેલ ઘામઘામ !
ગોખ-ઓક, ઓક-ગોખ-શી અકારી દોડધામ !

પ્રશ્નના પ્રપંચકારમાં વળી કસોટીબંધ,
ઉત્તરોની અવળસવળ દોટ અંધ,
આસમાની સુલતાની પરિણામો,
પારિતોષિકો કદીક, અધિક તો હતાશદંડ:
ભાઈબંધ લ્હાયબંધ, હારબંધ મારબંધ,
ફૂટ-તૂટ-લૂંટ-ઝૂંટ કૂટબંધ
અહીં તહીં, બધેય માત્ર ચંડબંધ અંધબંધ !
સર્વ બંધ ? સર્વ અંધ ?
હ્રસ્વ કે સુદીર્ઘ ના વિરામઘંટ ?
સર્વવ્યાપ્ત ઓ નિશાળ ચંડચંડ વીજખંડ !
પડો ઘંટ ! પડો ઘંટ !
નિત્યનો રહો બજી વિદાયઘંટ !

૦૭-૦૫-૧૯૭૫, નવી દિલ્હી


0 comments


Leave comment