6.1 - દુશ્ચર્યું શું નડ્યું ? / સુંદરજી બેટાઈ


અહીં સ્વજન છે, અહીં સુહ્રદ છે, અહીં સ્નેહ છે;
અહીં તપન છે; ભલે જ્વલન છે, છતાં મેહ છે.
હજી તરવરાટતો શ્રમિત તો ય આ દેહ છે;
ઘણી જ વસમી છતાં ય વસુધા મનોગેહ છે.

ક્ષણેક વસુધા બની અવસુધા ખરે ભાસતી,
રહી રહી અજાણ કૂટબલ કંટકે ત્રાસતી,
સુબોલ બનતા અબોલ; દ્યુતિ અંધનેત્રા થતી,
અમીઝરણમાં ધસે વમન ઝેરનાં : શી ગતિ ?
ક્ષણેક્ષણ વહે, છતાં અગતિ અંધશી વાધતી !
અધૂરું મધુરું, છતાં મધુરતા વધે ના રતિ !

અરે નિકટ તે બધું વિકટ કંટકી કાં બન્યું ?
પ્રફુલ્લદલ પુષ્પ કેમ મુરઝાઈ આજે રહ્યું ?
પ્રપૂર્ણ સુખપાત્ર કેમ ફસડાઈ આહીં પડ્યું ?
સુરૂપ ઘણું કાં વિરૂપ બન્યું ? – દુશ્ચર્યું શું નડ્યું ?

૧૦-૧૦-૧૯૭૪


0 comments


Leave comment