6.3 - દગ્ધહૃદય પ્રણયીની ઉક્તિ / સુંદરજી બેટાઈ
રસના !
રસના સુકોમળી
હૃદયે સુખબન્ધ બાંધતી
ભરસૌરભ તું વિરાજતી :
અવ કાં વિષ ઉગ્ર ઓકતી
વસમાં તું વિષતીર ભોંકતી ?
સુખ આનન્દ દ્રુમો પ્રજાળતી
શું વિષાગ્નિશિખા તું નાગણી ?
નયનો !
સ્મિતપદ્મ વેરતાં
સુખ ધન્યે વધુ ધન્ય જે થતાં
હૃદયે મુજ રંગનિર્મલે
શુચિ શોભન સ્વસ્તિકો રચ્યા.
અવ કાં સ્મિતપદ્મ વીખર્યા
અંગારા વસમાં બની ગયાં ?
હૃદયે નન્દન લ્હેરતું જ જ્યાં
ક્યમ ત્યાં ધગધગ ભસ્મરાશિ આ ?
કમલા !
કમલાસના સમાં
બનશો શું ન પુન: તમે કદા ?
બનશે ન પ્રસન્ન પંકિલ
સર મારું સભર્યું અનાવિલ ?
૦૬-૧૨-૧૯૭૪
0 comments
Leave comment