2 - ઉડાડી છડે ચોક છાંટા,મચાવી / હરીશ મીનાશ્રુ


ઉડાડી છડે ચોક છાંટા, મચાવી
     કોઈ રંગરેજે તબાહી તબાહી
પતંગા ને પુષ્પો, પ્રવાલો ને પંખી
    કહું કોને, દેજે ગવાહી ગવાહી

એ જોઈને પંડિતના મ્હોં પર છવાઈ
    આ પોથી પરે જે સિયાહી સિયાહી
ચણોઠીથી માંડી સૂરજચાંદ ઝળહળ
    ક્યા બ્રહ્મતેજે ઇલાહી ઇલાહી

પહાડોને ફોડી વહે મેઘવરણાં
    નદી નાળ નયનોનાં પાતાળઝરણાં
રુધિર નસમાં ધસમસ, અધીરાં હૃદય પણ
    અતળ આદિ ભેજે પ્રવાહી પ્રવાહી

તરસની અદબ જાળવે, તરફડે નહિ
    હો આકંઠ તૃપ્તિ અને લડખડે નહિ
સુરા પામતી જ્યાં પરમ સ્થિરતાને
    એ ક્ષણને તું ક્હેજે સુરાહી સુરાહી

સ્વયંને અહીં શોધવાની મમતમાં
    સહજ શબ્દ, તારી અજાયબ રમતમાં
સહુ સૃષ્ટિમાંથી સ્વયં શૂન્ય ચોરે
    ચહુકોર ભેજે સિપાહી સિપાહી

કહું કોને કર્તા ને કારજ ને કારણ
    પરસ્પર ભળી ઓગળી સૌ રસાયણ
સકળ તત્વ આજે તદાકાર : કોને
    કરે કોણ સહેજે મનાહી મનાહી

નથી કોઈ કોરટ ન કજિયો ન કાજી
    ન કોઇ ઈતરજન તો શી એતરાજી
કબૂલી ગઝલમાં તો પાવન બની ગઈ
    હતી સૌની જે જે ગુનાહી ગુનાહી


0 comments


Leave comment