4 - ઘટ સાથે જડિયાં ઘડિયાળ / હરીશ મીનાશ્રુ


ઘટ સાથે જડિયાં ઘડિયાળ
પડે કાળજે પળ પળ ફાળ

સપનું, સમજણ ને સ્થળકાળ
ઉપરથી જીવતરનાં આળ

કરું કાગનો વાઘ અને
સ્વયં બની જઉં ચટાપટાળ

કેડ સમાણી કબર છતાં
હજી યથાવત્‌ નાભિનાળ

પોપટ ભૂખ્યો તરસ્યો છે
ઉતાવળી છે આંબાડાળ

આડું જોઈ હોઠ ભીડું
પાણી પહેલાં બાંધું પાળ

તેત્રીસ કોટિ ઉપર એક
હું ય હવે તો બીબાંઢાળ

જળની નાગર નાત ભૂલી
વ્યોમવિહારી આજ વરાળ

પીતાં પહેલાં મન-મદિરા
હે સમજુ, સો ગરણે ગાળ

નવી વારતા, નવતર દુઃખ
ખભે ચડી બેઠો વૈતાળ

જગત કહે છે તું જેને
બ્રહ્માએ ભાંડેલી ગાળ

સાવ અકળ છે ગઝલગતિ
કળા અહીં ઓળંગે કાળ

શાહીને તું શ્યામ ગણે
મ્હોં કાળું કર, જા ચંડાળ


0 comments


Leave comment