5 - અઢારે વર્ણ માથે મેઘનાં દેખાવડાં પાણી / હરીશ મીનાશ્રુ


અઢારે વર્ણ માથે મેઘનાં દેખાવડાં પાણી
ભલે ને ગામ ખોબા જેવડું, પાડે તડાં પાણી

હવે લોહીમાં વ્હેતાં સગપણોનો વાંક ના કાઢો
અમે ઘર પૂછીને પીધાં છતાંયે તોછડાં પાણી

જડે ક્યાં એક માણસનો ય પાણીદાર પડછાયો
ઊકળતાં જાય છે દર્પણ વિષે જો બેવડાં પાણી

તરસ જ્યારે છીપાશે, એ છીપાશે બુંદ ઝાકળથી
પછી પોકળ જણાશે પી જવું પચ્ચા’ ઘડા પાણી

મને ખોદો તો મળશે કૈંક વડવા કૈંક વડવાનલ
સતત ખોતરતા રહી કેવા ઉખાડે પોપડા પાણી

અમે તો અંજલિમાં માત્ર ગંગાજળ ગણી ઝીલ્યાં
હવે છાતીસમાણાં એ મદિરા જેવડાં પાણી

મહીસાગરથી કોલોરાડો સુધીના મુસાફર, જો
બધે ચકચૂર ઊગ્યાં છે નર્યાં મળતાવડાં પાણી

હજીયે મુફલિસોનાં પાણિયારાં સાવ કોરાં છે
નગદ ચારેતરફ રણક્યાં કરે છો રોકડાં પાણી

ભરોસો પાણીનો ના રાખશો એવી સલા’ આપું
દગો દૈ જાય છે આંખોના બબ્બે દેગડા પાણી

હવે પાણીમાં મોકાની જગાએ મૃગજળો મળશે
ભરે છે ત્યાં વમળ જેવા ઘણા મેળાવડા પાણી

ગઝલને એટલે તો સ્વચ્છ ઉચ્ચારો નથી મળતા
જુઓને ક્યારનાં બુડબુડ બબડતાં બોબડાં પાણી

બરફ કે શબ્દ : ઈચ્છો તે તમે એને કહી શકશો
ઠરીને ઠીંકરું થૈ જાય જો આડેધડાં પાણી


0 comments


Leave comment