7 - જિહ્‌વા ઉપર છે જાળાં / હરીશ મીનાશ્રુ


જિહ્‌વા ઉપર છે જાળાં
દુઃખ ભાંગજે, દૂંદાળા

નાભિથી છિન્ન નાળા
ભૃણજી, ભરો ઉચાળા

ભાલે તમારે, બ્રહ્મન્‌
ઈશ્વર ચટાપટાળા

ભીંતોથી ના ધરાયા
તે ચીતરો છો તાળાં ?

ચોખ્ખુંચણાક દર્પણ
દૃષ્ટિ ના ઓઘરાળા

એકેક રજમાં સૂરજ
મારે સતત ઉછાળા

ક્ષણનો પ્રવાસી શોધે
પીડાની પાંથશાળા

ખતવાઈ ગયા શૂન્યે
ઝીણા હિસાબવાળા

સુગરાજી, શાને બાંધ્યા
મનની બખોલે માળા ?

યાયવરીને બ્હાને
ભરવા સતત ઉચાળા

પકવે છે શબ્દ અમને
આંબાને જ્યમ ઉનાળા

પાડ્યા કરું છું મનમાં
ગૂંગી ગઝલના ચાળા


0 comments


Leave comment