8 - તુ પ્રથમ ઘરનાં દરોદીવાલ અંતર્ધાન કર / હરીશ મીનાશ્રુ


તુ પ્રથમ ઘરનાં દરોદીવાલ અંતર્ધાન કર
જૂઇની ઝીણી પીંછીથી રંગ ને રોગાન કર

રમ્ય ખુશ્બૂ ને ખુદાઈનું અનુસંધાન કર
શ્વાસની રમતી લકીરોને હવે લોબાન કર

જે નથી તે પંખીનાં નયનોનું કેવળ ધ્યાન કર
ને નિવેદન કર પ્રણયનું, માત્ર શરસંધાન કર

હોઠને તાંબૂલના સ્પર્શે તું તાલેવાન કર
ચુપ રહીને વેદનાનું વ્યક્ત તું વિજ્ઞાન કર

સાવ ઝાકળ જેવડી આ જાતમાં પેઠા પછી
હે તરોતાજા સમય, તું તેજનાં તોફાન કર

પાનખર પર કેટલાં કામણ કરે છે વૃક્ષ આ
કૂંપળોને કેળવીને તું ય પાકું પાન કર

હું ને ઈશ્વર જો ઉદાસીને ઊજવતાં હોઈએ
ચાંદની, તું પણ બને તો સ્હેજ ભીનો વાન કર

ચન્દ્ર પર ઉતરાણનો તો એ જ સ્હેલો માર્ગ છે
પૂર્ણિમાના એક સુક્કા પાંદડાનું યાન કર

મેં ય મારા પુષ્પને કળીઓમાં સંતાડી દીધાં
તું ય બેધારી ચમકતી મ્હેરબાની મ્યાન કર

જે તરસના મર્મ સારું થૈ ગયો પોતે ફના
રિન્દ પાછળ દ્રાક્ષની લૂમોનું પંથીદાન કર

હે સુખનવર, પંખીઓથી ક્યાંક તો જુદી પડે
આ ગઝલને નામજોગું આટલું ફરમાન કર


0 comments


Leave comment