10 - અતલ અગાધ છે અગાશી છે / હરીશ મીનાશ્રુ


અતલ અગાધ છે અગાશી છે
છે અંતરીક્ષ કે ઉદાસી છે

નેણ મીંચી દીધાં છે કૈં જુગથી
આપનો દર્શનાભિલાષી છે

ચળે છે મેરુ છતાં એ ન ચળે
જે શબ્દનો ચપળ પ્રવાસી છે

ગણું છું, મૌલવીના દર્પણના
ટુકડા સાતસો ને છ્‌યાસી છે

એના પહેરા છે પળેપળ ઉપર
છેક ઊંડે સુધી તલાશી છે

કાં રઝળપાટ કરે નકશામાં
જે અડોઅડ ઊભું છેઃ કાશી છે

પ્રકટ થશે તો એ જ ભાષા છે
ભીતરે માત્ર ભીમપલાશી છે

ગઝલમાં શૂન્ય ગહન ઘૂઘવે છે
ઇતિ સિદ્ધમ્‌, તું રત્નરાશિ છે


0 comments


Leave comment