11 - અંતરાલો ઓગળે આશ્લેષમાં / હરીશ મીનાશ્રુ


અંતરાલો ઓગળે આશ્લેષમાં
લ્યો, ભવન ઊઘડે છે ભાવાવેશમાં

સ્થાન ને પ્રસ્થાન જ્યાં તદ્રૂપ હો
આપણા ડેરા એ દુર્ગમ દેશમાં

હું ખીલું કે તું ખરે એવું કશું
ક્યાં ઋૃતુછલ સંભવે અખિલેશમાં

ધૂર્જટિ, સહેજ જ સરળ કરજો જટા
જાહ્નવી ભૂલી પડી છે કેશમાં

હું મુકુટવત્‌ શબ્દને શિર પર ધરું
હો અનુનયની છટા આદેશમાં

જો, સ્વયં આદિત્ય આવે આંગણે
કોઈ અભ્યાગતના ધૂસર વેશમાં


0 comments


Leave comment