12 - સ્નેહવશ સ્વયંને દ્વાર આવી ચઢ્યો હું સકળ સૃષ્ટિનો શ્રેષ્ઠ અભ્યાગતા / હરીશ મીનાશ્રુ


સ્નેહવશ સ્વયંને દ્વાર આવી ચઢ્યો હું સકળ સૃષ્ટિનો શ્રેષ્ઠ અભ્યાગતા
જો, ટકોરા દઉં ઉમળકાભેર ને કર પ્રસારી કરું આગતાસ્વાગતા

નિત્ય ઉપવાસથી ક્ષીણ હું, તે છતાં રસ તણી ચર્વણા ક્ષણ નહીં થંભશે
હું જ ‘ભિક્ષાન્નદેહિ’ કહી જાચતો વ્યંજના : સકળ આ વ્યંજનો લાંઘતાં

હું મળું પવન થઈ પુષ્પને, વિહગને વ્યોમ હું મારા હિસ્સાનું આપી દઉં
અચલ હું : પર્વતો તીવ્ર ઈર્ષા કરે, ઝરણ નિજ કલગતિ મુજ કને માંગતાં

સ્પર્શતાં સદ્ય હું જાણે હસ્તામલક, પલકમાં શુક્રતારક સમી દૂરતા
હું સદા એમનાં સ્વપ્ન વિષે વસું, પૂર્ણ મીંચી નયન જે રહે જાગતા

ગાઢ નિદ્રા અને નિષ્પલક જાગરણ : ઉભય આંસુમાં ઘૂંટીને અંજન કર્યાં
નીરખવાની કળા સિદ્ધ એવી કરી, જીર્ણ દર્પણ અહો અવનવાં લાગતાં

આ તરફ મંથને વ્યગ્ર ઉદધિ અને ઓ તરફ ઓસના શાંત રસનું ટીપું
શુદ્ધ નવરાશમાં હું ને મારી ગઝલ પાંદડીમાં ડૂબી તરલને તાગતાં


0 comments


Leave comment