13 - હે ગાલિબની બકરી, બોલ / હરીશ મીનાશ્રુ


હે ગાલિબની બકરી, બોલ
ગળે ઊગ્યા આંચળનો મોલ

અમે ઢાલનો અર્થ પૂછયો
ત્યાં તો ઢમઢમ વાગે ઢોલ

બે નકશા બહુ ફાટ્યા છે
આસન સે, બંધુ, મત ડોલ

સામે પલ્લે પુંકેસર
મૂકીને તલવારો તોલ

દરવાજે ખંડેર ઊભું
ઘર, ઝટપટ દીવાલો ખોલ

ઊંડા કૂવા ફાટી બોખ
ત્યાં દેખી મેં બોખી ડોલ

સમજણની સિંગો ફોલી
હવે શુદ્ધ પરપોટા ફોલ

ભલે રામના ચારે હાથ
ભાષામાં ખંડિત ખિસકોલ

સ્વર્ગ હજી ખરબચડાં છે
છંદ વડે જન્મારો છોલ

ઈશ્વર ત્યાં ઈંડાં મૂકશે
સૌના મનમાં એક બખોલ

કહો, મકનજી ક્યાં ચાલ્યા
લઈ ગઝલનો ઉડનખટોલ


0 comments


Leave comment