14 - ઝાકળમાં કંકુ ઘોળ્યું છે / હરીશ મીનાશ્રુ


ઝાકળમાં કંકુ ઘોળ્યું છે
તે રક્તબુંદ થઈ કોળ્યું છે

ફેલાઈ ગયું છે દિગ્‌દિગંત
મેં વસ્ત્ર પવનમાં બોળ્યું છે

આ કોણ પ્રવેશ્યું કિરણ સમું
ઘર અમરતમાં ઝબકોળ્યું છે

પોઢ્યું’તું જે મારી ભીતર
મેં પરોઢિયે ઢંઢોળ્યું છે

તૃણ, તારી અપરંપાર લીલા
નભને આંગળીએ તોળ્યું છે

દરિયાને અસૂયા આંસુની
મેં એક જ ટીપું ઢોળ્યું છે

તારી સન્મુખ નિઃશબ્દ રહ્યું
તે હોઠ ઉપર હિલ્લોળ્યું છે

નિજને જ વિસારે પાડીને
મેં કશું નિરંતર ખોળ્યું છે

આ મોતીને હું શીદ પ્રોવું
ઝબકારામાં ઝબકોળ્યું છે

બ્રહ્માંડ અમસ્થી ફૂંક વડે
મેં ક્યાંનું ક્યાં ફંગોળ્યું છે

તેં નામ સહજ ખોઈ નાખ્યું
તો મક્તામાં ફંફોળ્યું છે


0 comments


Leave comment