15 - અનાદિ કિંવદંતી છે તો એને ચાખ, કાપીને / હરીશ મીનાશ્રુ


અનાદિ કિંવદંતી છે તો એને ચાખ, કાપીને
જીવી તો જો સફરજનના ફલાદેશો ઉથાપીને

ખરે ટાણે કીડી ગાયબ છે : કેવળ સત્ય ધગધગતું
ન જાણે કોણ બેઠું છે ભીતરમાં આમ ટાંપીને

પરોવું છું નિરંતર એકસો ને આઠ પરપોટા
સજા સરખી મળી છે પુણ્યશાળીને ને પાપીને

હજારો મોર ઝીણા બોલતા’તા તારે ડુંગરિયે
રસિકજન વાંચવા બેઠા હતા જ્યારે કલાપીને

ગઝલના લાખના ઘરમાં તને વાસો મળે કાયમ
તમે તો શાપના વેશે ગયાં વરદાન આપીને


0 comments


Leave comment