54 - કોઈ પોતાના પરાયા ના રહ્યા / હર્ષ બ્રહ્મભટ્ટ


કોઈ પોતાના પરાયા ના રહ્યા,
ક્યાંયથી સુખદુઃખ સવાયા ના રહ્યા.

આ કયું વાદળ વરસતું જામ થઈ,
કોઈ પણ ભીંજાઈ ડાહ્યા ના રહ્યા.

ક્યાં હવે એ ખેલ કે એવો સમય ?
કોઈ સાચકલા ભવાયા ના રહ્યા.

બોલબાલા ચોતરફ પરફ્યુમની,
શુદ્ધ એ અત્તરના ફાયા ના રહ્યા.

માત્ર એકલતાભર્યું એ.સી. જીવન,
એ સડક, એ તાપ-છાંયા ના રહ્યા.


0 comments


Leave comment