55 - જે ગવાયું ખુબ વખણાયું હતું / હર્ષ બ્રહ્મભટ્ટ


જે ગવાયું ખુબ વખણાયું હતું,
કોઈને ક્યાં ગીત સમજાયું હતું.

ભલભલાં દુઃખ જે હસી કાઢે સહજ,
મન ખુશીમાં એ જ મૂંઝાયું હતું.

એક વેળા સ્વપ્નમાં આવ્યું શિખર,
ખીણમાં મન રોજ પટકાયું હતું.

કોણ છું હું, જઈ રહ્યો છું કઈ તરફ ?
આ હૃદય એમાં જ અટવાયું હતું.

આજ લગ બોલી શક્યો ના જે કંઈ,
હર ગઝલમાં એ જ પડઘાયું હતું.

ઢાંકવા નહીં, ભેટવા દોડ્યું હતું,
સૂર્યથી વાદળ જે બંધાયું હતું.


0 comments


Leave comment