56 - કદી ધરાય નહીં મન કદી ભરાય નહીં / હર્ષ બ્રહ્મભટ્ટ


કદી ધરાય નહીં મન કદી ભરાય નહીં,
સદાય તરસ્યું રહે તૃપ્ત કદી થાય નહીં.

હજારવાર ઊઠી જાય પણ ઉબાય નહીં,
અકળ રહ્યું છે સદા ક્યાંયથી કળાય નહીં.

સદાય કાળજી કે કોઈ મન દુભાય નહીં,
શું થાય દિલનું અગર જો સતત રિબાય નહીં.

દરેક દેશમાં એક જ આ ગગન જુદું છે,
સ્મરણ ને તારા અલગ છે, ગણ્યા ગણાય નહીં.

હજાર રદ કૈં મનગમતાં મન લઇ બેસે,
અને દવામાં કશેથી કશો ઉપાય નહીં.


0 comments


Leave comment