57 - મુક્તકંઠે જેટલું ગાતો ગયો / હર્ષ બ્રહ્મભટ્ટ
મુક્તકંઠે જેટલું ગાતો ગયો,
હાંસિયામાં એ ધકેલાતો ગયો.
સંતની સાથે રહ્યાનું આ જ ફળ,
સંત જેવો હુંય દેખાતો ગયો.
ઠાલવ્યું હૈયું ગઝલના રૂપમાં,
હું હૃદયથી આમ વંચાતો ગયો.
એક પડઘો છું હું ઊંડી ખીણનો,
સાવ સૂનો તોય ઝીલાતો ગયો.
કોઈ ના માની શકે એનું કશું,
પાંચમાં જે રોજ પુછાતો ગયો.
“કેમ છો?” ફિક્કું હસીને પૂછતા,
ભેટવાનો જે હતો નાતો, ગયો.
0 comments
Leave comment