61 - છે સરળ છોડી કશું પણ નીકળી જાવું / હર્ષ બ્રહ્મભટ્ટ
છે સરળ છોડી કશું પણ નીકળી જાવું,
ખૂબ અઘરું હોય છે પાછા વળી જાવું.
એ પરમ સુખની પળો છે, સ્વર્ગ છે તારું,
શક્ય જ્યારે જ્યાં બને ખુદને મળી જાવું.
શક્યતા ભીતર રહી ખુદની જે બનવાની,
એ જ ‘બનવાને’ કહે છે ઝળહળી જાવું.
ગીત, ઝરણાં, ફૂલ, પંખી ગાય છે હરદમ,
મૌન થાતાં આવડે તો સાંભળી જાવું.
જો સધાયા સૂર હો તો, વાદ્ય સૌ ફેંકી,
છે બધે એ ગીત, ફરવા નીકળી જાવું.
આ સમયની નહિ, સ્થિતિની ‘હર્ષ’ વાતો છે,
લોકને પરલોક સાથે સાંકળી જાવું.
0 comments
Leave comment