64 - તૂટતા બંધાઈ સગપણ જોઉં છું / હર્ષ બ્રહ્મભટ્ટ


તૂટતા બંધાઈ સગપણ જોઉં છું,
હોય મન એવાં જ દર્પણ જોઉં છું,

પથ્થરોમાં ક્યાંય છો દેખાય ના,
ઠોકરે પ્રગટેલ સમજણ જોઉં છું.

કૈં મળે ના તોય એ વ્હેંચે ખુશી,
ગીત જે ગાતી ભિખારણ જોઉં છું.

સાવ બ્હેરા લોક વસતા હોય ત્યાં,
મૌન રહેવામાં જ ડહાપણ જોઉં છું.

આંખમાં કન્યાવિદાઈ ઘૂઘવે,
ક્યાંય પણ જ્યારે હું તોરણ જોઉં છું.


0 comments


Leave comment