65 - છે સમજવાનું અમુક, છો હોય દેખાયું બધું / હર્ષ બ્રહ્મભટ્ટ


છે સમજવાનું અમુક, છો હોય દેખાયું બધું,
રોજ સમજણ બ્હારનું સમજણમાં વ્હેંચાયું બધું.

રેશમી ઓઢી રજાઈ, મન સરસ સૂતું હતું,
એક ઝીણી કાંકરી જ્યાં જોઈ ડહોળાયું બધું.

કોઈને ફુરસદ હતી ક્યાં કોઈને કરવા મદદ,
પણ તમાશો થૈ ગયો તો ગામ ડોકાયું બધું.

ક્રોધમાં ઘરમાં ને ઘરમાં ચાલવાનું જ્યાં થયું,
કેટલું ક્યાં ક્યાંથી અથડાયું ને પછડાયું બધું.

ગામડે ઓ ‘હર્ષ’ જ્યારે જાઉં ત્યારે લાગતું,
એ જ એનું એ જ સઘળું, તોય બદલાયું બધું.


0 comments


Leave comment